Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કોવિડ-૧૯ વેકસીનની સમીક્ષા માટે વડાપ્રધાન કાલે અમદાવાદ- પૂણે- હૈદરાબાદની મુલાકાત લેશે

વેકસીનની રસીના વિકાસ અને વિતરણની વ્યવસ્થાની સમીક્ષા પણ કરશે

નવી દિલ્હી, તા. ૨૭ :. ભારતમાં કોરોના વેકસીનના વિકાસ અને વહેંચણીની તૈયારીઓ એડવાન્સ તબક્કામાં પહોંચી છે ત્યારે વડાપ્રધાન મોદી આવતીકાલે કોવિડ-૧૯ વેકસીનના ડેવલપમેન્ટ વર્કની સમીક્ષા કરવા ૩ શહેરોની મુલાકાત લેશે. આવતીકાલે વડાપ્રધાન અમદાવાદ, પૂણે અને હૈદરાબાદ જશે.

મળતા અહેવાલો મુજબ વડાપ્રધાન મોદી આવતીકાલે અમદાવાદની બહાર આવેલા ઝાયડ્સ બાયોટેકસ પાર્કની મુલાકાત લેશે. તેઓ સવારે ૯ વાગ્યે એરપોર્ટ પર ઉતરશે અને હેલીકોપ્ટરથી ચાંગોદર જશે. ઝાયડ્સ કેડીલા વેકસીન ટેકનોલોજી સેન્ટર અમદાવાદના ચાંગોદર ખાતે આવેલ છે. જ્યાં કોવિડ-૧૯ની વેકસીન ઝાયકોવિડનું નિર્માણ થઈ રહ્યુ છે.

અમદાવાદથી તેઓ પૂણે જાય તેવી શકયતા છે. જ્યાં તેઓ વેકસીનના લોન્ચ પ્રોડકસન અને વહેંચણીઓની તૈયારીની સમિક્ષા કરશે. આવતીકાલે વડાપ્રધાન પૂણેના સીરમ ઈન્સ્ટીટયુટની મુલાકાત પણ લેશે.

પૂણેથી તેઓ હૈદરાબાદ જશે જ્યાં ભારત બાયોટેક આવેલ છે ત્યાં તેઓ સ્વદેશી વેકસીન કોવાકસીન વિશે માહિતી મેળવશે.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાને તાજેતરમાં મુખ્યમંત્રીઓને જણાવ્યુ હતુ કે વેકસીન આપવાનુ અભિયાન સરળતાથી ચાલે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.

(9:29 am IST)