Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ધોનીના ટમેટા મચાવી રહ્યાં છે ધૂમઃ ૪૦ રૂપિયા કિલો થઇ રહ્યું છે વેચાણ

ઝારખંડના રાંચીના બજારોમાં ધોની બ્રાન્ડની શાકભાજીઓ વેચાવવાની શરૂ થઇ ગઇ છે

રાંચી,તા. ૨૭:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ મહેન્દ્ર સિંહ ધોની હવે ખેતીમાં હાથ અજમાવી રહ્યો છે. ઝારખંડના રાંચીના બજારોમાં ધોની બ્રાન્ડની શાકભાજીઓ વેચાવવાની શરૂ થઇ ગઇ છે. આમાં સૌથી વધારે ધોનીના ટમેટાની ચર્ચા છે.

ધોનીએ તેના ૪૩ એકર વિસ્તારમાં ફેલાયેલા ફાર્મ હાઉસની ૩ એકડ જમીનમાં માત્ર ટમેટાની ખેતી શરૂ કરી છે. ટામેટા બજારોમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. ધોનીના ટમેટા બજારમાં ૪૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. કહેવાય છે કે, ધોનીના ફાર્મ હાઉસના ટમેટા ખાસ જાતના છે. બજારમાં તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રાંચીના સેંબોમાં આવેલા ધોનીના ફાર્મ હાઉસમાં બીજી શાકભાજીની ખેતી પણ કરવામાં આવી રહી છે. ધોની સાથે તેની એક આખી ટીમ ખેતી કાર્યોમાં જોડાઇ છે. ધોનીએ તેના ફાર્મહાઉસમાં ટમેટા ઉપરાંત મટરની પણ ખેતી કરી છે.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી. જો કે, આ વર્ષે પણ તે આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન રહ્યો, પરંતુ આઇપીએલમાં તેનું પ્રદર્શન ખાસ ન રહ્યું. જેના કારણે તેની ટિકા પણ થઇ હતી.

(9:34 am IST)