Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

પલ્સ ઓકિસમીટરનું વેચાણ વધી રહ્યું છે

પલ્સ ઓકિસમીટર માટે ૫૦૦ થી ૧૫૦૦ રૂપિયા ચૂકવી રહ્યા છે લોકો

નવી દિલ્હી, તા.૨૭: દેશમાં કોવિડ-૧૯ના કેસ વધતાં પલ્સ ઓકિસમીટરના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે લોહીમાં ઓકિસજનની માત્રાને માપે છે- જે કોરોના વાયરસના સંક્રમણની ગંભીરતાનો એક મુખ્ય સૂચક છે.

જો કે, લોકોને કેમિસ્ટની દુકાન પર પલ્સ ઓકિસમીટર માટે ૫૦૦ રૂપિયાથી લઈને ૧૪૦૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સ્થિતિમાં રિટેલરો માગનો લાભ ખાંટવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે ભાવમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. આ બધુ એટલા માટે થઈ રહ્યું છે. કારણ કે, સરકાર દ્વારા આ મેડિકલ ઉપકરણને ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર (DPCO)હેઠળ લાવવામાં આવ્યું નથી.

૧૦થી ૧૨ કંપનીઓના પલ્સ ઓકિસમીટર બજારમાં ઉપલબ્ધ છે, જેના પર કિંમત ૨૫૦૦ રૂપિયાથી ૪ હજારની વચ્ચે છે. માર્કેટમાં ભારતીય બનાવટના પલ્સ ઓકિસમીટરની સંખ્યા ઓછી છે.

કેમિસ્ટ અને ડ્રગિસ્ટ્સના રાજયવ્યાપી સંગઠનના અનુમાન પ્રમાણે, કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ ગુજરાતમાં ૬ લાખ કરતાં વધું પલ્સ ઓકિસમીટર વેચાયા છે. ગુજરાતમાં ૪૦ હજાર રજિસ્ટર્ડ રિટેલ કેમિસ્ટ આઉટલેટ્સ છે.

'ઓકિસમીટર્સ સર્જિકલ વસ્તુઓ છે અને તે DPCO હેઠળ આવતું નથી. રિટેલરોની નૈતિક ફરજ છે કે તેઓ ૨૦ ટકાથી વધુ નફો ન લે અને અમે આ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. ત્યારે સરકારની પણ ફરજ છે કે તેઓ ઓકિસમીટર્સના ભાવને નિયંત્રણ હેઠળ લાવે', તેમ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશન (FGSCDA)ના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, અસોસિએશને ભારતીય બનાવટના પલ્સ ઓકિસમીટર્સ રાજયના અલગ-અલગ ભાગમાંથી સમાનરૂપથી ૫૦૦ રૂપિયામાં મેળવવાનો પ્રયાસ કર્યો છે. 'અમે સરકારને આવી વસ્તુઓના ભાવ નક્કી કરવા વિનંતી કરી રહ્યા છીએ. ઓકિસમીટરના કવર પર અતિશય ભાવ છાપવા માટે કંપનીઓને શા માટે મંજૂરી આપવી જોઈએ?'.

બ્લડ પ્રેશર મોનિટરનું ઉદાહરણ આપતા અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારે હાલમાં તેને નિયંત્રિત કેટેગરી હેઠળ લાવી છે. જે બાદ તેની કિંમત ૧૫૦૦ રૂપિયા પર સ્થિર થઈ ગઈ છે. 'અગાઉ રિટેલરો આ વસ્તુના ૩ હજારથી ૪ હજાર રૂપિયા લેતા હતા'.

(10:31 am IST)