Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ઉદય કોવિડ હોસ્પિટલ પાસે ફાયર NOC સાધનો પણ પુરતા હતા : હોસ્પિટલ સ્ટાફને ટ્રેનીંગ છતાં દુર્ઘટના કેમ બની ?

શહેરની તમામ કોવિડ હોસ્પિટલોમાં ફરીથી ફાયર સાધનોનો સર્વે થશે

રાજકોટ તા. ૨૭ : શહેરના આનંદ બંગલા ચોક ખાતે આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં ગઇ મોડી રાત્રે લાગેલી આગમાં ૩ દર્દીઓ જીવતા ભુંજાઇ ગયા હતા. જ્યારે અન્ય બે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓના મોત થતાં આ દુર્ઘટનાનો કુલ મૃત્યુઆંક પાંચનો થયો છે.

દરમિયાન આ હોસ્પિટલમાં આગ અકસ્માત સામે સુરક્ષાના તમામ સાધનો હતા. ફાયર બ્રિગેડે એન.ઓ.સી. પણ આપ્યું હતું. હોસ્પિટલ સ્ટાફને ટ્રેનીંગ પણ અપાયેલ છતાં આવડી મોટી દુર્ઘટના બની ગઇ તે તપાસનો વિષય બન્યો છે. હવે આજથી ફરી શહેરની તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયરના સાધનો અંગે સર્વે શરૂ થનાર છે.

આ અંગે ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા મુજબ મવડી વિસ્તારના આનંદ બંગલા ચોકમાં ઉદય કોવિડ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડે આગ - અકસ્માત સામે બચાવના તમામ જરૂરી સાધનોનું ચેકીંગ કરી અને તમામ ચાલુ હાલતમાં છે તે જોઇને પછી જ ફાયર અંગેનું એન.ઓ.સી. આપેલ. એટલું જ નહી હોસ્પિટલ સ્ટાફને આ સાધનો કેમ ચલાવવા, આગ કેવી રીતે બુઝાવી તેની ટ્રેનીંગ પણ આપવામાં આવેલી.

આમ છતાં ગઇ રાત્રે એકાએક વિકરાળ આગ કેમ લાગી? અને તે કેમ કાબુમાં ન આવી શકી તે તપાસનો વિષય બન્યો છે.

દરમિયાન આવી દુર્ઘટનાનું પુનઃરાવર્તન અટકે તે માટે ફાયર બ્રિગેડ દ્વારા આજથી ફરી શહેરની તમામ ૧૦ જેટલી કોવિડ હોસ્પિટલોમાં ફાયરના સાધનો અંગે સર્વે હાથ ધરી તેમાં જરા પણ ચૂક જણાશે તો નિયમ મુજબ પગલા લેવામાં આવશે.

ડીવીઆર-સીપીયુ  કબ્જેઃ હોસ્પિટલને તપાસના કામ માટે સિલ કરવામાં આવી

રાજકોટ તા. ૨૭: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ ભભૂકતાં પાંચ કોરોના દર્દીના મોત નિપજ્યાની ઘટનામાં આગ કઇ રીતે લાગી, કયાંથી પ્રસરી તે અંગેની તપાસ કરવા માટે માલવીયાનગર પોલીસે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ડીવીઆર અને સીપીયુ સહિતની ચીજવસ્તુઓ કબ્જે કર્યા છે અને તપાસ શરૂ કરી છે. રાત્રે જ બધા દર્દીઓ, સ્ટાફ અને મૃતદેહો બહાર કાઢી લેવાયા બાદ સમગ્ર હોસ્પિટલમાં કોઇ ફસાઇ ગયું નથી ને? તેની ખાત્રી કરાયા બાદ હોસ્પિટલને તપાસના કામ માટે સીલ કરી દેવામાં આવ્યાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ ફૂટેજ ચેક કરવા કાર્યવાહી કરી રહી છે. જેના આધારે આગ કઇ રીતે લાગ તે કદાચ જાણી શકાશે. તેમજ બીજી વિગતો પણ સામે આવે તેવી શકયતા છે.

(12:19 pm IST)