Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

૮૦ ટકા લોકો માસ્ક નથી પહેરતાઃ કાર્યક્રમ/જલ્સા થઈ રહ્યા છેઃ સુપ્રિમ

રાજકોટમાં કોવિડ-૧૯ હોસ્પીટલમાં લાગેલી આગ મામલે સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યકત કરીઃ કોઈ નિયમોનું પાલન નથી કરતુઃ ઈચ્છા શકિત જ નથી : કેન્દ્રએ કોર્ટને જણાવ્યુ કે ગૃહ સચિવ ટૂંક સમયમાં સરકારી હોસ્પીટલો માટે અગ્નિ સુરક્ષાના દિશાનિર્દેશો જારી કરશેઃ હવે લાલ આંખ કરવાનો સમય આવી ગયો છે

નવી દિલ્હી, તા. ૨૭ :. સુપ્રિમ કોર્ટે કોરોના વાયરસને લઈને દાખવાતી લાપરવાહીની વર્તમાન સ્થિતિને લઈને નારાજગી જાહેર કરી છે. કોર્ટે કહ્યુ છે કે ૮૦ ટકા લોકો માસ્ક નથી પહેરતા. જ્યારે બાકીના લોકોના ઝડપા પર ફેસ કવર લટકતુ દેખાય છે. સુપ્રિમ કોર્ટે આ ટીપ્પણી રાજકોટમા કોવીડ હોસ્પીટલમા આજે લાગેલી આગની ઘટના પર ધ્યાન લેવા દરમિયાન કરી હતી. કોર્ટે કહ્યુ છે કે કાર્યક્રમો અને જલ્સા થઈ રહ્યા છે. ૮૦ ટકા લોકો માસ્ક નથી પહેરતા. અનેક પ્રકારના એસઓપી અને ગાઈડલાઈન્સ બનાવવામાં આવી છે પરંતુ ઈચ્છા શકિત નજરે નથી પડતી.

કેન્દ્રએ સુપ્રિમ કોર્ટને આશ્વાસન આપ્યુ હતુ કે કેન્દ્રીય ગૃહ સચિવ સમગ્ર ભારતની સરકારી હોસ્પીટલોમાં અગ્નિ સુરક્ષા પર બેઠક કરશે અને તેને લગતા નિર્દેશો જારી કરશે. અદાલતે કહ્યુ હતુ કે હવે સમય આવી ગયો છે કે જ્યારે ભારતમાં વાયરસના સંક્રમણના વધતા કેસને રોકવા માટે નીતિ, દિશાનિર્દેશ અને માપદંડ પ્રક્રિયા લાગુ કરવા માટે કડક પગલા લેવામાં આવે.

અદાલતમાં સરકારે કહ્યુ હતુ કે કોરોનાની વર્તમાન લહેર પહેલાથી ઘણી કઠોર છે. જે પર અદાલતે કહ્યુ હતુ કે કડક પગલા લેવાની જરૂર છે. કોર્ટે કહ્યુ હતુ કે રાજ્યોએ સ્થિતિનો મુકાબલો કરવો પડશે અને સ્થિતિને નિપટવા માટે રાજકારણ બાજુએ મુકવુ પડશે. કેન્દ્રએ કોર્ટને કહ્યુ હતુ કે હાલ ૭૭ ટકા પોઝીટીવ મામલા ૧૦ રાજ્યોમાંથી આવ્યા છે.

(2:54 pm IST)