Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

દિલ્હી સરહદે પોલીસ સાથે ધર્ષણ છતાં ખેડૂતો પીએમ નિવાસે પહોંચ્યા

ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા : ખેડૂતોના આંદોલનને પંજાબ અને દિલ્હી સરકારનું સમર્થન, મેટ્રો બંધ કરાતા દિલ્હીમાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા : ઘણા સ્થળે ખેડૂતોનો તંત્ર સાથે સંઘર્ષ

નવી દિલ્હી, તા. ૨૭ : દેશની રાજધાની દિલ્હીમાં પ્રદર્શનકારી ખેડૂતોની એન્ટ્રી બંધ છે. દિલ્હી ચલો માર્ચ હેઠળ પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો નીકળી પડ્યા છે. હરિયાણામાં ઘણી જગ્યા પર ખેડૂતોને રોકવામાં આવ્યા છે. ખેડૂતોને રોકવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બોર્ડર સઘન ચેકિંગ અભિયાનથી ટ્રાફિક વ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે. બીજી તરફ એનસીઆરના શહેરોમાં દિલ્હીની મેટ્રો સેવા બંધ કરવાથી લોકો પરેશાન છે. ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદથી દિલ્હી આવનારા લોકોને તકલીફ પડી રહી છે. દિલ્હી અને પંજાબની સરકારો આંદોલનના સમર્થનમાં આવી ગઈ છે અને ભાજપને ઘેરી રહી છે. ટિકરી બોર્ડર, સિંધુ બોર્ડર, પંજાબ-હરિયાણા બોર્ડર પર ઘર્ષણ થયા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે અને વોટર કેનનો ઉપયોગ કર્યો છે.

આંદોલન કરી રહેલા ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરી ચૂક્યા છે. કેટલાક ખેડૂતો આરસીઆર સ્થિત વડાપ્રધાન નિવાસ સુધી પહોંચી ગયા છે. કહેવાય છે કે વડાપ્રધાનના નિવાસસ્થાન સુધી પહોંચેલા લોકોમાં આમ આદમી પાર્ટીના નેતા પણ જોડાયા હતા. પોલીસે ખેડૂતો અને આપના નેતાઓને દૂર કર્યા છે.

દિલ્હીની પોલીસ દ્વારા સ્ટેડિયમને જેલ બનાવવાની અરજીને ફગાવી દીધી છે. સાથે આપ સરકારે ખેડૂતોના આંદોલનને યોગ્ય ઠેરવ્યું છે. ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈન તરફથી આવેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે, અહિંસક રીતે આંદોલન કરી રહેલા ખેડૂતોને જેલમાં ના મોકલી શકાય. બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી દ્વારા જારી કરેલા નિવેદનમાં કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રને વિનંતી કરીને તાત્કાલિક ખેડૂતો સાથે વાત કરીને સ્થિતિને શાંત કરવાની કોશિશ કરવા જણાવ્યું છે. ગ્રીન લાઈન પર બ્રિગેડિયર હોશિયાર સિંહ, બહાદુરગઢ સિટી, પંડીત શ્રીરામ શર્મા, ટીકરી બોર્ડર, ટીકરી કલા અને ધેવરા મેટ્રો સ્ટેશન પરથી એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દીધા છે. આંદોલન કરી રહેલા ખેડૂતોને રોકવા માટે મેટ્રો બંધ કરાઈ હોવાથી મુસાફરો અટવાઈ પડ્યા છે. કારણ કે રોડ પર ટ્રાફિક છે ત્યારે મેટ્રો પણ બંધ કરાઈ હોવાથી મુસાફરોની સ્થિતિ કફોડી બની ગઈ છે.

(7:34 pm IST)