Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

માથાના ભાગે છૂટા કરાયેલા જોડકામાંથી એકનું મોત થયું

ઓરિસ્સામાં જોડીયા બાળકોનું ઓપરેશન : દિલ્હીની એમ્સમાં દેશનું પહેલું ક્રેનિઓપેગસ ઓપરેશન ત્રણ વર્ષ પહેલાં થયું હતું, પ વર્ષીય બાળકનું કટકમાં મોત

કટક, તા. ૨૭ : ઓરિસ્સાના એક આદિવાસી પરિવારમાં માથાંથી જોડાયેલાં જોડિયા શિશુઓનો જન્મ થયો હતો. ત્રણ વર્ષ પહેલાં દિલ્હીની એઇમ્સ ખાતે ભારતનું પહેલું ક્રેનિઓપેગસ ઓપરેશન કરી માથાંથી જોડાયેલાં શિશુઓને છૂટાં પાડવામાં આવ્યાં હતાં. પરંતુ, કમનસીબે તેમાંના એક પાંચ વર્ષીય શિશુનું કટક ખાતે અવસાન થયું છે. ઓરિસ્સાના પાંચ વર્ષના કાલિઆનું માથું તેના સહોદર જગ્ગા સાથે જન્મ વખતે જોડાયેલું હતું. એઇમ્સ દિલ્હીમાં ગત ઓક્ટોબર ૨૦૧૭માં બંને ભાઇઓ પર સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બે મહિના સુધી જુદા જુદા તબક્કામાં હાથ ધરાઇ હતી અને તેને કુલ ૪૫ કલાક લાગ્યા હતા. તે વખતે બંને ભાઇઓની વય ૨૭ મહિનાની હતી.ભારતની પહેલી આવી સફળ સર્જરી હતી. કુલ ૨૦  જેટલા જુદા જુદા સ્પેશિયાલિસ્ટએ સાથે મળીને બંને ભાઇનો માથાંથી છૂટા પાડ્યા હતા.

જોકે, ઓપરેશન પછી તરત જગ્ગાને ઘણી સારી રિકવરી આવી ગઇ હતી પરંતુ કાલિઆને રિકવરી આવવામાં સમય લાગશે એમ તબીબોએ ત્યારે પણ કહ્યું હતું. બંને ભાઇઓને ઓરિસ્સા પાછા તો લાવવામાં આવ્યા પરંતુ તેઓ તેમના વતન કંધમાલ જઇ શક્યા હતા. તેમને કટકની એસસીબી મેડિકલ કોલેજ ખાતે સુપરવિઝન હેઠળ રાખવામાં આવ્યા હતા. ગયાં સપ્તાહથી કાલિઆની તબિયત બગડવા લાગી હતી. તેને સેપ્ટિસેમિયા થઇ ગયું હતું અને બુધવારે તેનું અવસાન થયું હતુું એમ એસસીબી મેડિકલ કોલેના ઇમરજન્સી ઓફિસર ડો. ભુવનાનંદ મહારાણાએ જણાવ્યું હતું.

જોડિયા શિશુઓના પિતા ભૂયન કુમાર કંધમાલ જિલ્લાના મિલિપાડા ગામમાં રીક્ષા ચલાવે છે. તેમની માતાનું નામ પુષ્પાંજલી છે. તેમને ત્યાં માથાંથી જોડાયેલાં ટ્વિન જન્મ્યા બાદ ઓરિસ્સા સરકારે તેમની સંપૂર્ણ સારવારની જવાબદારી ઉઠાવી હતી અને તે માટે એક કરોડ રૂપિયા પણ ફાળવ્યા હતા.

(9:08 pm IST)