Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વડાપ્રધાન મોદીનું ઝાયડસ ખાતે બે કલાક રોકાણ : વેકસીનની વિસ્તૃત જાણકારી મેળવી

નરેન્દ્રભાઈને એરપોર્ટ ઉપર મુખ્ય સચિવ સહિત ૬ અધિકારીઓએ આવકાર્યા : રાજયપાલ કે મુખ્યમંત્રી સાથે જોડાયા નહોતા

રાજકોટ : આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ ખાતે ઝાયડસ બાયોટેક પાર્ક - ચાંગોદરની મુલાકાતે આવ્યા હતા. સવારે વિમાનગૃહે તેમને આવકારવા માટે આજે રાજયના ટોચના પાંચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, રાજયના પોલીસ વડા - ડીજીપી - શ્રી આશિષ ભાટીયા, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાની, અમદાવાદના પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ, અમદાવાદના જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે અને ચીફ પ્રોટોકોલ ઓફીસર શ્રી જવલંત ત્રિવેદીનો સમાવેશ થાય છે. આશ્ચર્ય સર્જતી બાબત એ હતી કે સામાન્ય રીતે એરપોર્ટ ઉપર જે તે રાજયના રાજયપાલ અને મુખ્યમંત્રી એરપોર્ટ ઉપર જતા હોય છે. પરંતુ ૮:૫૫ વાગ્યે સવારે આવી પહોંચેલ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા આજે રાજયપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા કે પક્ષના અન્ય કોઇ મહાનુભાવોને હાજર રખાયા ન હતા. જેની ભારે ચર્ચા જોવા મળતી હતી. આ કાર્યક્રમ સત્તાવાર ન હોવાની પણ વાત થતી હતી.

વડાપ્રધાન શ્રી સવારે ૮:૫૫ આસપાસ આવી હેલીકોપ્ટરમાં ચાંગોદર ગયા હતા. જયાં લગભગ બે કલાક ઝાયડસ કેડીલા ફેસીલીટી ખાતે કોવિડ-૧૯ વેકસીનની ટ્રાયલ જે છેલ્લા તબક્કામાં છે તેની વિસ્તૃત જાણકારી મેળવી હતી અને ઝાયડસના સૂત્રધાર શ્રી પંકજભાઈ પટેલ સાથે મંત્રણા કરી ૧૧:૨૦ કલાકે ચાંગોદરથી હેલીકોપ્ટર મારફત અમદાવાદ અને ત્યાંથી હૈદ્રાબાદ જવા નીકળી ગયા હતા. વડાપ્રધાન એરપોર્ટ પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મેયર બીજલબેન પટેલ સહિત કોઈ પણ હાજર ન રહેતા ભારે આશ્ચર્ય સર્જાયુ છે. એવુ જાણવા મળે છે કે પ્રોટોકોલ વિભાગ દ્વારા અધિકારીઓ સિવાય કોઈપણને એરપોર્ટ ઉપર નહિં આવવા જણાવી દેવાયેલ.(તસ્વીરઃ ગૌરવ ખત્રી, કેતન ખત્રી, અમદાવાદ)

(3:21 pm IST)