Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

બોર્ડર ઉપર શહિદ થતા ભારતીય જવાનો સ્વર્ગના હક્કદારઃ પૂ. મોરારીબાપુ

ગોકુલ-મથુરાના રમણરેતીયા આયોજીત ઓનલાઇન શ્રીરામકથા કાલે વિરામ લેશેઃ હવે પછીની કથાની તારીખ થોડા દિવસોમાં જાહેર કરાશે

રાજકોટ તા. ર૮ :.. 'બોર્ડર ઉપર ભારતમાતાની રક્ષા માટે લડતા - લડતા શહિદ થતા ભારતીય જવાનો સ્વર્ગના હકકદાર છે' તેમ પૂ. મોરારીબાપુએ ગોકુલ - મથુરા ખાતે આયોજીત ઓનલાઇન શ્રીરામકથા 'માનસ પ્રેમસૂત્ર-૩' નાં દશમા દિવસે જણાવ્યું હતું. ૧૧ દિવસીય શ્રીરામકથા  કાલે રવિવારે વિરામ લેશે. હવે પછીની ઓનલાઇન શ્રી રામકથા કયાં યોજાશે ? તેની થોડા દિવસોમાં જાહેરાત કરાશે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, દુરાચાર વ્યકિતઓથી દુર રહેજો. સાધુના લક્ષણ જેમાં દેખાય તેનો સંગ કરજો.

ગઇકાલે નવમા દિવસે પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે, રાવણનો રામ પ્રત્યેનો પ્રેમ તમોગુણી હતો. માને એના બાળક પ્રત્યેનો પ્રેમ રજોગુણી હોય છે. બાપનો પ્રેમ તમોગુણી હોય છે. દાદા-દાદીનો પ્રેમ સત્વગુણી હોય છે. અને આપણા પરમ-બુધ્ધ પુરૂષનો પ્રેમ ગુણાતિત હોય છે. પ્રેમ પરમ મુકિત છે. જે બંધનમાં રાખે એ વાસના, કામના, આસકિત, રાગ, મોહ હોઇ શકે.

દેવર્ષિ નારદના પાંચ સૂત્રો પ્રેમ તરફના છે. ગુણરહિત, કામનારહિત, પ્રતિક્ષણ વર્ધમાન, અવિચ્છિવ, સુક્ષ્મતર-સુક્ષ્મથી પણ સુક્ષ્મ એ પાંચ સુત્રો છે.

પ્રેમ પ્રગટ થવાની જીવનમાં કૃતકૃત્યભાવ આવે છે. કૃતાર્થભાવ આવે છે. કૃતાર્થાઅહ, કૃતાર્થાઅહં થઇ જાય છે. (ર) એવું લાગવા માંડે છે કે આપણા પ્રયાસથી નહિ, કોઇના પ્રસાદથી મળ્યું છે. પ્રયાસથી પ્રગટેલો પ્રેમ શાશ્વત ન હોય, પ્રસાદથી મળેલો પ્રેમ શાશ્વતી પ્રાપ્ત કરે છે. (૩) ભગવાન પતંજલિએ યોગસૂત્રમાં પંચકલેશની વાત કરી છે. આપણામાં અગર પ્રેમ પુર્ણતા પ્રગટ થયો હોય તો તમામ કલેશથી મુકિત મળે છે. તેમ પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું.

(3:23 pm IST)