Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

SGSTમાં રિફંડ અરજીના ભરાવાના લીધે વેપારીઓની પરેશાનીમાં વધારો

મોટાભાગનો સ્ટાફ તાલીમ અને પરીક્ષામાં જોડાયેલો હોવાથી સર્જાયેલી સ્થિતિ : એક હજાર કરતાં વધુ અરજીનો નિકાલ થયો નહીં હોવાનું બહાર આવ્યું

સુરત, તા., ર૯: સ્ટેટ જીએસટીમાં રીફંડ માટેની અરજીનો નિકાલ કરવામાં આવતો નહી હોવાના કારણે વેપારીઓની પરેશાની વધી છે. કારણ કે છેલ્લા ત્રણ મહીનામાં સ્ટેટ જીએસટીનો મોટા ભાગનો સ્ટાફ પરીક્ષા અને તાલીમની કામગીરીમાં જોડાયેલો હતો. તેના લીધે અરજી નિકાલ કરવાની કામગીરી અટકી પડી હતી. એક અંદાજ મુજબ હાલમાં એક હજાર કરતાં વધુ રીફંડની અરજીનો નિકાલ નહી થયો હોવાની વિગતો જાણવા મળી છે.

કોરોનાના કપરા કાળ પછી વેપારની ગાડી પાટે ચડી રહી છે. પરંતુ બજારમાં હજુ પણ રોકડની અછતનો વેપારીઓ સામનો કરી રહયા છે. આ અછત દુર કરવા માટે જીએસટી રીફંડ મેળવવા માટે અરજી કરવામાં આવી રહી છે. આ અરજીનો નિકાલ ઝડપથી કરવા માટેનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ સ્ટેટ જીએસટીમાં રીફંડની અરજીનો નિકાલ કરવામાં ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં નિકાલ થતો નથી. આ માટે એવી હકીકત બહાર આવી છે કે પહેલા રીફંડ માટેની અરજી માટેનો સ્ટાફ ઓછો હોવાથી કામગીરી ધીમી થતી હતી. ત્યાર બાદ સ્ટાફની ીનમણુંક  તો કરવામાં આવી પરંતુ તેઓ હાલમાં તાલીમમાં જોડાયેલા છે. જયારે બાકીનો કેટલોક સ્ટાફ પરીક્ષાની તૈયારીઓ કરી રહયા છે અથવા તો પરીક્ષા આપવાની હોવાથી રજા પર છે. તેના લીધે રીફંડની અરજીનો નિકાલ કરવાની પ્રક્રિયા બ઼ધ પડી ગયાની સ્થિતિ પેદા થઇ છે. આવી સ્થિતિ છેલ્લા ત્રણ મહિનાથી હોવાના લીધે એક હજાર કરતા વધુ અરજીઓ રીફંડ આપ્યા વિના પડી રહી છે. તેમજ દિન પ્રતિદિન તેમાં સતત વધારો થઇ રહયો છે. આ અંગે ટેકસ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહે જણાવ્યું હતું કે એક તરફ બજારમાં રોકડની અછત હોવાના કારણે નાણા મળી રહે તે માટે વેપારીઓ રીફંડ માટેની અરજી કરતા હોય છે. પરંતુ રીફંડ ઝડપથી નહી મળવાને કારણે વેપારીઓ હેરાન થઇ રહયા છે. જેથી તાત્કાલીક આના માટેની પુરતી વ્યવસ્થા કરીને વેપારીઓના રીફંડની અરજીનો તાત્કાલીક નિકાલ કરવામાં આવવો જોઇએ.

(12:53 pm IST)