Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

લોકડાઉન મુકેશ અંબાણીને ફળ્યું દર કલાકે ૯૦ કરોડની કમાણી

ભારતના સૌથી ધનાઢય વ્યકિત મુકેશ અંબાણી સતત નવમાં વર્ષે નંબર-૧ શ્રીમંત જાહેર : તેમની મિલ્કત - સંપત્તિ વધીને રૂપિયા ૬,૫૮,૦૦૦ કરોડ થઇ : રૂપિયા ૨,૭૭,૦૦૦ કરોડનો વધારો : ચાલુ વર્ષના પ્રારંભથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૫૦ ટકા જેટલો વધારો નોંધાયોઃ ભારતના પાંચ અબજપતિની સંયુકત મિલ્કત કરતા અંબાણીની મિલ્કત વધુ

મુંબઇ તા. ૨૯ : ભારતના સૌથી ધનાઢય વ્યકિત મુકેશ અંબાણી ઉપર લક્ષ્મીજીની પરમ કૃપા સતત વરસી રહી છે. લોકડાઉનના ગાળા પણ તેમણે દર કલાકે રૂપિયા ૯૦ કરોડની કમાણી કરી હોવાનું બહાર આવ્યું છે. માર્ચમાં લોકડાઉન શરૂ થયુ઼ તે પછી તેમની મિલ્કત - સંપત્તિમાં સતત વધારો થઇ રહ્યો છે તેવું આઇઆઇએફએલ વેલ્થ હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટ ૨૦૨૦માં જાહેર કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીએ સતત નવમાં વર્ષે ભારતમાં સૌથી શ્રીમંત વ્યકિતનું બિરૂદ જાળવી રાખ્યું છે. તેમની મિલ્કત રૂ. ૨,૭૭,૦૦૦ કરોડ વધીને રૂપિયા ૬,૫૮,૦૦૦ કરોડ થવા પામી છે. અત્રે એ પણ નોંધનિય છે કે આ વર્ષની શરૂઆત થઇ ત્યારથી તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં ૫૦ ટકાનો વધારો થયો છે.

૬૩ વર્ષના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ લોકડાઉન ભારતમાં શરૂ થયું ત્યારના સમયથી દર કલાકે રૂપિયા ૯૦ કરોડની કમાણી કરી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. અત્રે એ પણ નોંધનિય છે કે બ્લુમબર્ગ બિલીયનર્સ ઇન્ડેકસમાં અંબાણી વિશ્વના પાંચમાં ધનાઢય વ્યકિત છે. તેમની કંપનીનો નફો રૂપિયા ૧૩૨૦૪૮ કરોડ તાજેતરમાં જાહેર થયો હતો.

રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોના શરૂ થયો ત્યારે અંબાણીની મિલ્કત ૨૮ ટકા જેટલી ઘટી હતી. એટલે કે રૂપિયા ૩,૫૦,૦૦૦ કરોડ ઘટી હતી પરંતુ તે પછી તેમણે સતત વ્યુહાત્મક પગલા લીધા અને ફેસબુક, ગુગલ વગેરે દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતા તેમની મિલ્કત સતત વધવા માંડી હતી.

(3:07 pm IST)