Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વધુ એક 'સુશાંત': બિહારના અભિનેતા અક્ષતનું મુંબઇમાં શંકાસ્પદ મોત

મંગળવારે સવારે પરિવારજનો અક્ષતના શબને લઈને પ્લેનથી પટના એરપોર્ટ પહોંચ્યાઃ અહીંથી પરિવારજન મૃતદેહને મુઝફ્ફરપુર લઈ ગયા

મુંબઇ, તા.૨૯: એકટર સુશાંત સિંહ રાજપૂતના નિધનનો કોયડો હજી ઉકેલાયો નથી ત્યાં મુંબઇમાં બિહારના વધુ એક એકટર અક્ષત ઉત્કર્ષનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં નિધન થયું છે. પરિવારજનોનો આરોપ છે કે અક્ષતની હત્યા કરવામાં આવી છે. તેમણે મુંબઇ પોલીસ પર સહયોગ ન કરવાનો આરોપ મૂકયો છે. મુંબઇ પોલીસે પરિવારજનોને અક્ષતના નિધન મામલે નોંધાયેલી પ્રાથમિકતાઓની કોપી પણ આપી નથી. અક્ષત મૂળે મુઝફ્ફરપુરના સિકંદરપુરના રહેવાસી હતા. મંગળવારે સવારે પરિવારજનો અક્ષતના શબને લઈને પ્લેનથી પટના એરપોર્ટ પહોંચ્યા. અહીંથી પરિવારજન મૃતદેહને મુઝફ્ફરપુર લઈ ગયા.

અક્ષતના મામા રંજૂ સિંહે કહ્યું કે આખી ઘટના શંકાસ્પદ છે. અક્ષતે રવિવારે રાતે પોણા નવ વાગ્યે પિતા વિજયંત કિશોર સાથે વાત કરી હતી. તે જ રાતે સાડા દસથી ૧૧ વાગ્યા વચ્ચે તેમના નિધનના સમાચાર મળ્યા. અક્ષત સાથે રહેતી તેની મહિલા મિત્ર સ્નેહા ચૌહાણે પરિવારજનોને ફોન કરીને ઘટનાની માહિતી આપી. સ્નેહા મૂળ રૂપે નોએડાની રહેવાસી છે. સ્નેહાએ અક્ષતના કઝિનને ફોન કરીને કહ્યું કે અક્ષતે ગળેફાંસો ખાધો છે.સૂચના મળ્યા પછી અક્ષતના પરિવારજનો સોમવારે મુંબઇ ગયા. પરિવારના સભ્યો પ્રમાણે ફાંસી ખાધા પછી અક્ષતને ગંભીર સ્થિતિમાં મુંબઇના કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જયાંથી ગંભીર સ્થિતિ જોઇ તેને કૂપર હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા. કૂપર હોસ્પિટલમાં અક્ષતનું નિધન થઈ ગયું. પરિવાર જનોએ આરોપ મૂકયો છે કે ૬ ફૂટ હાઇટ ધરાવતો અક્ષય જાડા ટુવાલથી ફંદો લગાડીને કેવી રીતે મૃત્યુ પામી શકે છે? અક્ષતે આપઘાત નથી કર્યો. તેની હત્યા કરી દેવામાં આવી છે.

અક્ષત બે વર્ષ પહેલા મુંબઇના અંધેરી વેસ્ટમાં રહેતો હતો. તેણે એમબીએ કર્યું હતું. મુંબઇમાં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરવાની સાથે તે એકિટંગ પણ કરતો હતો. આગામી ફિલ્મ 'લિટ્ટી ચોખા'માં તેણે એક પાત્ર ભજવ્યું હતું.

(3:21 pm IST)