Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

નિવૃત થયા પછી સરકારી બંગલા પર કોઇ કબ્જો ન જમાવે : દિલ્હી હાઇકોર્ટનો આવાસ મંત્રાલયને આદેશ

૧૦૦ સરકારી બંગલાઓ ઉપર હાલમાં છે કબ્જો

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સૂચના આપી છે કે લોકસેવકો નિવૃત થયા પછી લાંબા સમય સુધી સરકારી બંગલાઓ પર કબ્જો ન જમાવે તે સરકાર સુનિશ્ચિત કરે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતા-વાળી બેંચે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયને સુચના આપી છે કે તે અધિકૃત રીતે કબ્જો જમાવી બેઠેલા લોકસેવકો પાસેથી બંગલો ખાલી કરાવે અને ગેરકાયદેસર રીતે રહેવાનો દંડ પણ વસુલે.

સુનાવણી દરમ્યાન આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે હાઇકોર્ટને જણાવ્યું કે તેણે રિટાયર થયા પછી અનધિકૃત રીતે રહી રહેલા ૫૬૫ લોક સેવકો પાસે સરકારી આવાસો ખાલી કરાવ્યા છે. એ લોકસેવકો પાસેથી અનધિકૃત રીતે રહેવા માટે ત્રણ કરોડનો દંડ પણ વસૂલ કર્યો છે.

અરજદાર તરફથી વકીલ ઝેડ યુ ખાને કોર્ટને કહ્યુ હતું કે ભૂતપૂર્વ નોકરિયાતોએ લગભગ ૧૦૦ સરકારી બંગલાઓ પર અનધિકૃત રીતે કબ્જો જમાવેલો છે. કોર્ટને જણાવ્યું હતું કે આના લીધે ઘણા વર્તમાન ધારાસભ્ય અને સાંસદોને સરકારી ખર્ચે ફાઇવસ્ટાર હોટલમાં રાખવામાં આવી રહ્યા છે.

(3:28 pm IST)