Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

આયાત ઉપર નિર્ભર ભારતીય ફૂટવેર ક્ષેત્રને સ્વનિર્ભર બનાવવા સરકાર લેશે મોટા પગલાં

બજારના ૬૦ ટકા ચીની આયાત ઉપર આધારિત ભારતીય ફૂટવેર માર્કેટમાં સ્વનિર્ભર બનાવવા કવાયત : વિદેશી ફૂટવેર સંબંધિત સરકાર કડક નિયમો લાગુ કરાશે

નવી દિલ્હી : બજારના ૬૦ ટકા ચીની આયાત ઉપર આધારિત ભારતીય ફૂટવેર માર્કેટમાં સ્વનિર્ભર અને મેક ઈન ઇન્ડિયા યોજનાને સફળ બનાવવા સરકાર નવા જુની કરવાના મૂડમાં દેખાઈ રહી છે. બજારમાં વજનના ભાવે ઠાલવી દેવાતા, ચાઇનીઝ ફૂટવેર અંગે કડક નિયમો લાગુ કરવા, તૈયારી કરવામાં આવી રહી છે. ભારતમાં સ્થાનિક ફૂટવેર આકર્ષક અને મજબૂત હોવા છતાં, બજારમાં વિદેશી મોટી બ્રાન્ડના ઠસ્સા અને સસ્તા ચીની ફૂટવેર સામે, ભારતીય ઉત્પાદકોએ ટકી રહેવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ભારતમાં વિદેશી ફૂટવેર સંબંધિત સરકાર કડક નિયમો લાગુ કરવા જઈ રહી છે. વિદેશી આયાત નિયમો કડક બનાવવા સાથે, દેશમાં ઘરેલુ ફૂટવેર ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે હેતુસર, સરકારે 25 સભ્યોની કાઉન્સિલની રચના પણ કરી છે. આ કાઉન્સિલનું લક્ષ્‍ય, સ્થાનિક ઉદ્યોગને આગળ વધારવાનું, અને તેના માટે જરૂરી વાતાવરણ બનાવવાનું છે. ફૂટવેર ઉદ્યોગમાં સ્વનિર્ભર ભારત યોજનાને, સફળ બનાવવા માટે જરૂરી નીતિ તૈયાર કરાશે.

ભારતમાં વિદેશી ફૂટવેર બજાર આયાત ઉપર મોટા પાયે નિર્ભર છે. સરકારની કોશિશ છે કે આ આયાતને ઓછી કરવામાં આવે જે માટે ભારત સરકારે તાજેતરમાં આયાત ઘટાડવા માટે 35% આયાત ડ્યુટી લગાવી હતી. સરકારના સીધા નિશાન ઉપર ચાઇનીઝ વેપારીઓ હોવાનું માનવામાં આવે છે.

(11:32 pm IST)