Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ઉત્તર પ્રદેશના ગેંગરેપ-હાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું : રાતોરાત અંતિમ સંસ્કાર

પોલીસ અને વહીવટીતંત્રના આ વલણથી પીડિતાના પરિજનો તથા ગામ લોકોમાં ભારે આક્રોશ

હાથરસ,તા.૩૦: ઉત્તર પ્રદેશના હાથરસના બુલવાડીમાં કથિત ગેંગરેપની શિકાર પીડિતાના મોત બાદ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રનો શરમજનક ચહેરો સામે આવ્યો છે. દિલ્હીથી શબ લાવ્યા બાદ પોલીસે તેને પરિવારને ન સોંપ્યો અને રાત્રે જ કોઈ વિધિ કર્યા વગર જ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસ અને વહીવટીતંત્રના આ વલણથી પરિજનો તથા ગામ લોકોમાં ભારે આક્રોશ છે. એટલું જ નહીં મીડિયાને પણ કવરેજથી રોકી દેવામાં આવ્યું અને ખરાબ વર્તન કરવામાં આવ્યું.

આ પહેલા જયારે શબને ગામમાં લઈ જવામાં આવ્યું તો તેને પરિજનોને સોંપવામાં આવ્યું. ત્યારબાદ પરિજનોએ એમ્બ્યૂલન્સની સામે સૂઈ જઈને આક્રોશ વ્યકત કર્યો. આ દરમિયાન એસડીએમ પર પરિજનોની સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ પોલીસ અને ગામ લોકોમાં દ્યર્ષણ થઈ ગયું. મૂળે પરિજનો રાતમાં શબના અંતિમ સંસ્કાર કરવા માંગતા નહોતા, જયારે પોલીસ તાત્કાલિક અંતિમ સંસ્કાર કરાવવા માંગતી હતી. ત્યારબાદ અડધી રાત બાદ લગભગ ૨:૪૦ વાગ્યે કોઈ પણ વિધિ વગર અને પરિજનોની ગેરહાજરીમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

પીડિતાની કાકી ભૂરી સિંહે કહ્યું કે પોલીસ દબાણ કરી રહી હતી કે શબના અંતિમ સંસ્કાર કરી દો. જયારે દીકરીના માતા-પિતા અને ભાઈ કોઈ પણ ત્યાં હાજર નહોતું, એ લોકો દિલ્હીમાં છે અને હજુ પહોંચ્યા પણ નથી. રાત્રે અંતિમ સંસ્કાર ન કરવા અને પરિવારની રાહ જોવાની વાત કહેતાં પોલીસે કહ્યું કે જો નહીં કરો તો અમે જાતે કરી દઈશું.

અનેક સ્થળે વિરોધ પ્રદર્શનપીડિતાના મોત બાદ તમામ રાજકીય પાર્ટીઓએ યોગી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. ભીમ આર્મીએ તો સફદરગંજ હોસ્પિટલ પહોંચીને ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા હતા. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યા. આ દરમિયાન રાજયના અનેક જિલ્લાઓમાં લોકોએ પીડિતાના સમર્થનમાં કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ કરી.

વિપક્ષી પાર્ટીઓના વિરોધ અને મીડિયા રિપોર્ટ્સનું ખંડન કરતાં આઈજી પીયૂષ મોડિયાએ જણાવ્યું કે મેડિકલ તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ નથી થઈ. સાથોસાથ ટ્વિટર પર મીડિયા રિપોર્ટ્સનું ખંડન છાપતા પોલીસે કહ્યું કે ન જીભ કાપવામાં આવી હતી અને ન તો કરોડરજ્જૂનું હાડકું તૂટેલું હતું.

(11:27 am IST)