Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

નવી કૃષિનીતિના વિરોધમાં કોંગ્રેસ સહિત બિનભાજપી પક્ષો પણ કતારમાં

દેશમાં આવેલી નવી કૃષિનીતિ અંગે વિવાદનો વંટોળ કયારે સમાપ્ત થશે ?

રાજકોટ, તા. ૩૦ : નવી કૃષિ નીતિના ૩ નવા કાયદાને પગલે સમગ્ર દેશમાં વિવાદનો વંટોળ ચાલી રહ્યો છે. આ વિવાદમાં ખેડૂતોની સાથે કોંગ્રેસ ઉપરાંત બિનભાજપી પક્ષો વિરોધમાં જોડાયા છે. CAA બાદ હવે ફરી બિનભાજપી રાજયોનો કેદ્ર સામે વિરોધ થતો દેખાય છે. કોંગ્રેસ શાસિત રાજયોમાં આ કાયદાની અમલવારી અંગે અનેક વિવાદ થવાની શકયતા છે એવામાં ભારતિય બંધારણ નિષ્ણાતો જણાવે છે કે રાજય અને કેન્દ્ર કાયદો બનાવી શકે છે જયારે સંસદમાં પસાર થયેલા કાયદાની અમલવારી માટે અવરોધ કરી શકાતો નથી.

કોંગ્રેસે કલમ ૨૫૪(૨) અંતર્ગત કોંગ્રેસ શાસિત રાજયોમાં આ કાયદા વિરુધ્ધ એક નવો કાયદો રચવાની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન, પંજાબ,છત્ત્।ીસગઢ, પોન્ડિચેરી, સરકારે કાયદાની સલાહ લેવાની શરુ પણ કરી દીધી છે. આ આર્ટિકલ અનુસાર સમવર્તી સૂચિમાં સામેલ વિષયો અંગે કેન્દ્ર સાથે રાજયો પણ આ અંગે કાયદો બનાવી શકે છે. જો રાજય આવા કોઈ કાયદાની રચના કરે તો તેને પસાર કરવા માટે રાષ્ટ્રપતિને મોકલવાનો રહે છે.

પંજાબમાં રેલ રોકો આંદોલન

પંજાબમાં ખડૂતોનું  રેલ રોકો આંદોલન ૬ા દિવસે પણ ચાલુ જ છે, અમૃતસરના દેવીદાસપુરામાં ખેડૂતો રેલ્વે ટ્રેક ઉપર કબ્જો જમાવીને બેઠા છે. અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના આંદોલન જોઈને ફિરોઝપુર રેલ્વે મંડળે ૨૮ ટ્રેનને કેન્સલ કરી છે. આ આંદોલન માં NDAની બહાર થયેલા અકાલી દળસાથે જોડાયેલા ખેડૂતો આ આંદોલનમાં જોડાયા છે.

ખેતી રાજયોની અંર્તગત આવતી બાબત છે

બંધારણના જાણકાર PDT આચાર્ય જણાવે છે કે ખેતી સ્પષ્ટ રીતે રાજયોની હેઠળ આવતો વિષય છે. જેના ઉપર રાજય પણ કાયદો બનાવી શકે છે. રાજયો એ અગાઉ પણ કૃષિ સંવર્ધન અને પશુપાલન અંગે કાયદા બનાવ્યા છે કેન્દ્રે જે ત્રણ કાયદા બનાવ્યા છે તે સમવર્તી સૂચીમાં સામેલ ખાદ્ય સામગ્રીને લઈને છે. અનુચ્છેદ ૨૫૪(૨) સમવર્તી વિષય ઉપર રાજયો પોતાનો જુદો કાયદો બનાવી શકે છે, પરંતુ જે કાયદો નવો બનાવે તે કેન્દ્રના કાયદા વિરુધ્ધ ન હોવો જોઈએમ જો  કોઈ રાજય કેન્દ્ર વિરુદ્ઘ કાયદો બનાવે છે તો તે કાયદાને માન્યતા મળી શકશે નહિ.

રાયપુરમાં રાજભવન બહાર વિરોધ પ્રદર્શન

છત્ત્।ીસગઢ રાયપુરમાં નવા કૃષિ કાયદા વિરુદ્ઘ કોંગ્રેસીઓએ રાજભવન બહાર પ્રદર્શન કર્યા હતા. પ્રદેશ અધ્યક્ષ મોહન મરકામની આગેવાની હેઠળ રાજભવન પહોંચેલા મંત્રીઓ, સચિવો, સાંસદો, અને ધારાસભ્યો અને પક્ષના આગેવાનોએ પક્ષના કાર્યાલયથી શરુ કરીને રાજયપાલની ઓફિસ સુધી માર્ચ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે એક બેઠક બોલાવી હતી જેમાં ખેડૂતના આગેવાનોને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જે વિરોધ છે તેમાં તે તેમનો સાથ આપશે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દે એક ખાસ સત્ર બોલાવવામાં આવશે જેમાં આ અંગેની ચર્ચા કરવામાં આવશે અને ખેડૂતોની સમસ્યા અંગે ઉકેલ લાવવામાં આવશે.

(3:48 pm IST)