Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

મેટરનીટી લીવ લેનારની નોકરી છીનવી શકાય નહીં: સુપ્રિમ કોર્ટ

માતા બનવાથી મહિલાઓની કાર્યક્ષમતા કોઈ રીતે ઘટતી નથી

નવી દિલ્હી, તા.૩૦: મેટરનીટી લીવ બાબતે સુપ્રિમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે એક કેસના સંદર્ભમાં સ્પષ્ટતા કરી કે, કોઈ મહિલા કર્મચારી બાળજન્મ, સુવાવડ માટે રજા પર જાય તો તેના આધારે તેને નોકરીમાંથી દુર કરી શકાય નહી.

દિલ્હી યુનિવર્સીટીના અરબિન્દો કોલેજના એડ હોક ડયુટી પર નોકરી કરતા મહિલા કર્મચારીએ મેટરનીટી લીવ લેતા તેની નોકરી સમાપ્ત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તે આદેશ રદ કરી મેટરનીટી લીવના લાભ સાથે તે મહિલા પ્રોફેસરને ફરી નોકરીમાં લેવાના આદેશ આપતા જણાવ્યું કે માતા બનવાથી મહિલાઓની કાર્યક્ષમતા કોઈ રીતે ઘટતી નથી.

અગાઉ હાઈકોર્ટે પણ આ મહિલા પ્રોફેસરની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો પણ યુનિવર્સિટીના મેનેજમેન્ટે તેની સામે સુપ્રીમમાં રીટ કરી તે સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે રૂ.૫૦૦૦૦નો દંડ પણ કોલેજને ફટકાર્યો હતો. તેમ જ સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાની પ્રશંસા કરી હતી.

સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, કોઈપણ મહિલાને તેની નોકરી અને માતા બનવાનો વિકલ્પ પસંદ કરવા જણાવી શકાય નહી. જો તે માતા બનશે તો તેની નોકરી જશે તેવું વલણ સ્વીકાર્ય બની શકે નહી.

 

(10:12 am IST)