Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને નિષ્ક્રિય કરતા માસ્કની શોધ કરી

બોસ્ટન, તા.૩૦: મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)ના સંશોધકોએ એક અનોખો માસ્ક બનાવ્યો છે. એ માસ્ક કોરોના વાયરસને બાળીને ખતમ કરી નાખશે. માસ્કમાં જેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પ્રમાણે તેની જાળીમાં વાયરસ પ્રવેશ કરશે કે તરત જ હિટથી તેનો નાશ થઈ જશે.

એમઆઈટીના સંશોધકોએ કોરોના વાયરસથી બચાવે તેવો માસ્ક તૈયાર કર્યો છે. એ માસ્ક માત્ર હવામાં રહેલા કોરોના વાયરસને નાક-મોં વાટે પ્રવેશતો અટકાવશે જ નહીં, પરંતુ તેને ખતમ કરી નાખશે. એ માસ્કના સંપર્કમાં વાયરસ આવશે કે તેને હિટ લાગશે અને વાયરસ બળીને ખાક થઈ જશે.

તાંબાની જાળી ધરાવતા આ માસ્કની ખાસિયત એ છે કે તેમાં ૯૦ ડિગ્રી સુધી હિટ લાગશે છતાં યુઝરની ચામડી બળશે નહીં. ગરમીથી ચામડીનું રક્ષણ કરે એવા નિયોપ્રીનથી તૈયાર થયેલા ફેબ્રિકના કારણે ચામડી નહીં બળે, પરંતુ જાળીની અંદર જેવો વાયરસની બૂંદનો પ્રવેશ થશે કે એ તરત નાશ પામશે.

આ માસ્ક અંગે બાયોરેકિસવ રિપોજિટરી જર્નલમાં અહેવાલ પ્રસિદ્ઘ થયો હતો. સંશોધકોના દાવા પ્રમાણે આ માસ્ક ખૂબ જ ટકાઉ હશે એટલે એક વખત આ માસ્ક પહેરવાનું શરૂ કર્યા પછી લાંબાં સમય સુધી તેને પહેરી શકાશે. તેને ધોવાની કે સુકવવાની જરૂર પડશે નહીં. જોકે, આ માસ્કની કિંમત શરૂઆતમાં એન-૯૫ માસ્ક કરતાં ઘણી વધારે હશે, પરંતુ હોસ્પિટલો કે જાહેર સ્થળોએ તેમ જ પ્રવાસો દરમિયાન તે ખૂબ જ અસરકારક પરિણામ આપશે.

(12:48 pm IST)