Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ખેડૂતો- નાના વેપારીઓ- આમઆદમીએ અર્થતંત્રમાં પ્રાણ પૂર્યા

કોરોનામાંથી ધીમે ધીમે ઈકોનોમી બહાર આવી રહી છેઃ સારૂ ચોમાસુ થતા ખેડૂતોની આવક વધીઃ નાના વેપારીઓએ એરલાઈન્સ અને હોટલોની આવક વધારીઃ આમઆદમીએ દિવાળીના દિવસોમાં મન મુકીને ખર્ચ કર્યોઃ રૂપિયો મોટાપાયે ફરતો થયોઃ રસી આવતા જ ઈકોનોમી ઉંચો કુદકો લગાવશે

નવી દિલ્હી, તા. ૩૦ :. કોરોનાને કારણે મંદીમાં ફસાયેલા ભારતીય અર્થતંત્રને ખેડૂતો અને નાના વેપારીઓ અને આમઆદમી ઉગારી રહ્યા હોવાનુ બહાર આવી રહ્યુ છે.

નાના વેપારીઓ દ્વારા હવાઈ સફર, હોટલોમાં રોકાણ સાથે ગ્રામીણ આવકમાં વધારો અને સાથે સાથે સારા ચોમાસાને કારણે ખર્ચમાં વૃદ્ધિથી મહામારી પીડીત ભારતીય અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર કાઢવામાં મદદ મળી છે.

અર્થશાસ્ત્રીઓ કહે છે કે રીકવરી આકાર લઈ રહી છે અને તેની આગેવાની મેન્યુસેકટર કરી રહ્યુ છે. જો કે ભારત હજુ પણ નીચા જીડીપી બેઈઝ પર આગળ વધી રહ્યો છે અને તેને નુકશાનીના ભરપાઈ માટે એક વર્ષથી વધુ સમય લાગશે.

મોટા શહેરોમાં હોટલો ૫૦ થી ૬૦ ટકા ક્ષમતા સાથે ચાલી રહી છે. જો કે મોટા કોર્પોરેટ ઈવેન્ટ હજુ શરૂ નથી થયા. એટલુ જ નહિ હજુ આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પણ શરૂ થઈ નથી.

મે ના અંતે સરકારે વિમાન કંપનીઓ ઉપરથી પ્રતિબંધ હટાવી લીધા હતા. માસિક ઘરેલુ યાત્રીકોની સંખ્યા જૂનના ૨૦ લાખથી વધીને ઓકટોબરમાં ૫૦ લાખ સુધી પહોંચી ગઈ છે. જો કે એક વર્ષ પહેલાના ૧.૨૫ કરોડથી તે ઘણી ઓછી છે. હાલ જે પ્રવાસ કરે છે જે નાના કે મધ્યમ ઈન્ટરપ્રાઈઝ કે નાના વેપારીઓનો સમાવેશ થાય છે. જેઓ વધુ દિવસો સુધી ઘરે બેસી ન શકે.

કોરોના મહામારીની અસર શહેરોના મુકાબલે ગ્રામીણ ભારત પર ઓછો રહ્યો છે. આ સિવાય સારા વરસાદને કારણે ખેડૂતોને ફાયદો થયો છે. બમ્પર પાકથી ખેડૂતોની આવક વધી છે. તેવામાં મહિન્દ્રા જેવા કંપનીઓના ટ્રેકટર્સનુ વેચાણ પણ વધ્યુ છે.

કોરોનાના કારણે લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટથી બચી રહ્યા છે. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકો ખાનગી વાહનોને પ્રાથમિકતા આપે છે. જેના કારણે કાર અને બાઈક-સ્કૂટરનુ વેચાણ વધ્યુ છે. મારૂતિએ ગ્રામીણ વિસ્તારોમાં ૧૦ ટકા વધુ વેચાણ કર્યુ છે.

દિવાળીના દિવસોમાં મધ્યમ વર્ગે ઈલેકટ્રોનીક ઉપકરણોની ધૂમ ખરીદી કરી છે. આ ઉપરાંત સોની બજારમાં પણ ધનતેરસ અને પુષ્ય નક્ષત્રના દિવસે ભારે ખરીદી રહી છે. દિવાળીના દિવસે પણ ભાવ ઉંચા હોવા છતા સોનાની ખરીદી થઈ હતી. દિવાળીના દિવસોમાં લોકો કોરોનાને ભૂલી ખરીદી માટે બહાર નીકળતા રૂપિયો ફરતો થયો હતો અને તેનાથી અર્થતંત્રને ફાયદો પણ થયો છે. એટલુ જ નહિ લગ્નની સીઝન શરૂ થતા જ અનેક સેકટરને તેનો ફાયદો થઈ રહ્યો છે. જો કે સરકારી પ્રતિબંધો લાગુ છે. આમ છતા આ સેકટરોને થોડુ જીવતદાન મળી રહ્યુ છે. હવે કોરોનાની રસી આવ્યા બાદ અર્થતંત્ર પૂરપાટ દોડશે તે નક્કી છે.

(10:32 am IST)