Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

તબીબોએ તાત્કાલીક સારવાર ચાલુ ન કરતાં મારાડોનાનું અવસાન થયું'તુ

મારાડોનાના પરિવારજનો અને વકિલનો આરોપઃ દવાઓ પણ બરાબર આપવામાં આવી ન હતીઃ દિગ્ગજ ફૂટબોલરના મગજનું ઓપરેશન કરાયા બાદ માત્ર આઠ દિવસમાં જ રજા આપી દેવામાં આવી હતી, એમ્બ્યુલન્સ પણ અડધો કલાક બાદ આવી હતી, ડોકટરોએ ભારે લાપરવાહી કરી હોવાનો પણ આક્ષેપઃ તબીબની હોસ્પિટલે- ઘરે પોલીસના દરોડા

નવી દિલ્હીઃ આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબોલર મારાડોનાના ડો.લીયોપોલ્ડો લુકેની હોસ્પિટલ અને ઘરે દરોડો પાડયો છે. આર્જેન્ટીનાના મીડિયાના જણાવ્યા અનુસાર પોલીસ તપાસ કરી રહી છે કે મારાડોનાની સારવાર દરમ્યાન કોઈપણ જાતની લાપરવાહી તો થઈ નથી ને?

મારાડોનાનો પરિવાર અને વકિલે એવો આક્ષેપ કર્યો હતો કે સારવાર દરમ્યાન લાપરવાહી કરવામાં આવી હતી. એટલા માટે જ મારોડોનાનું અવસાન થયું હતું. મારાડોનાની દીકરીએ આરોપ લગાવ્યો છે કે ડોકટર તરફથી તેને બરાબર દવા આપવામાં આવી ન હોય તેનું અવસાન થયું હતું.

૬૦ વર્ષના મારાડોનાને ૨૫ નવેમ્બરે હાર્ટએટેક આવતા આર્જેન્ટીનાની રાજધાની બ્યૂન્સ આઈરસ સ્થિત તેના ઘરમાં તેનું નિધન થયું હતું.

મારાડોનાના વકીલ મટિયાસ મોરલાએ તેમના અવસાનની જાણકારી સાર્વજનિક તરીકે કરી હતી. આ અગાઉ નવેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં મારાડોનાના મગજનું સફળ ઓપરેશન કરાયા બાદ આઠ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઉપરાંત દારૂની લત છોડવવા માટે પણ તેમની સારવાર ચાલતી હતી. મારાડોનાના વકીલ મટિયાસ મોરલાએ આ મામલે તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે મારોડોનાના ઘરે એમ્બ્યુલન્સને પહોંચતા ૩૦ મિનિટથી વધુ સમય લાગ્યો હતો. હોસ્પિટલમાં પણ મોડેથી સારવાર શરૂ કરવામાં આવી હતી.

(11:27 am IST)