Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

૩૧ ડીસેમ્બર સુધી અમલ

કાલથી ઉદયપુર સહિત ૧૩ જિલ્લાઓમાં નાઈટ કફર્યૂ

જયપુર, તા.૩૦: રાજસ્થાન સરકારે કોરોનાના સંક્રમણ નિયંત્રણ માટે આગામી ૧લી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી રાજયના તમામ મુખ્ય શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવાયું છે. રાજસ્થાન સરકાર મુજબ જયપુર, કોટા, જોધપુર, બીકાનેર, ઉદયપુર, અજમેર, ભીલવાડા, નાગૌર, પાલી, ટોંક, સીકર અને ગંગાનગર જિલ્લાની શહેરી હદમાં રાત્રે ૮ વાગ્યાથી લઈને સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે.

રાજય સરકાર મુજબ, કોરોનાના કેસની વધી રહેલી સંખ્યાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જિલ્લોમાં શહેરી હદમાં માર્કેટ, કામના સ્થળ અને વેપારી સંસ્થાઓને સાંજે ૭ વાગ્યે જ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં ૩૧ ડિસેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે. માત્ર જરૂરી ગતિવિધિઓને જ મંજૂરી રહેશે. રાજસ્થાન સરકાર મુજબ કોરોનાના દર્દીઓની તપાસ કરવા માટે આ દરમિયાન કન્ટેનમેન્ટ ઝોનમાં દ્યરે દ્યરે જઈને ચેકિંગ કરવામાં આવશે.

રાજસ્થાનમાં સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ ૩૧ ડિસેમ્બર સુધી બંધ રહેશે. થિયેટર્સ, મલ્ટીપ્લેકસ પણ બંધ રહેશે. રાજય સરકારે સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમો પર પણ ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો છે.

જોકે રાજસ્થાનની સરકારે કેમિસ્ટ કંપનીઓ, દવા દુકાનો, મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓને આ પ્રતિબંધમાં છૂટ આપી છે. બસ સ્ટેન્ડથી આવનારા અને જનારા, એરપોર્ટ જનારા પેસેરન્જરોને પણ આ પ્રતિબંધથી છૂટ અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાયરસના કેસો દિવાળી બાદ મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત તથા રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં પણ સરકાર દ્વારા કોરોનાના કેસોને જોતા અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવેલું છે.

(3:43 pm IST)