Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વિપક્ષો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આક્ષેપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ખેડૂતોના સવાલોના જવાબ આપ્યા : નવા કૃષિ સંશોધનને પગલે ખેડૂતોને નવા વિકલ્પો ઉપલબ્ધ થયા છે અને અનેક તકો મળી હોવાનો મોદી દાવો : કાશીમાં ૮૪ ઘાટ પર ભવ્ય દિપોત્સવનો પ્રારંભ

વારાણસી, તા. ૩૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શન વચ્ચે સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે. દેવ દિવાળીના પર્વ પર વારાણસીમાં ગંગા ૮૪ ઘાટ પર ભવ્ય દિપોત્સવનો પ્રારંભ પીએમ મોદી કરાવ્યો હતો. ખેડૂત આંદોલન મુદ્દે પીએમ મોદીએ જણાવ્યું કે નવા કૃષિ સંશોધનને પગલે ખેડૂતોને નવા વિકલ્પો ઉપલબ્ધ થયા છે અને કેટલીક તકો મળી છે પરંતુ કેટલાક લોકો ભ્રમ ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

વડાપ્રધાને પોતાના સંબોધવનમાં જણાવ્યું કે ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જેમણે ખેડૂતો સાથે કપટ કર્યું છે તેઓ હવે ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા ઠે. નવો કાયદો ખેડૂતોને વિકલ્પ આપે છે. વડાપ્રધાને જણાવ્યું કે સરકાર કાયદાઓ ઘડે છે માટે લોકશાહીમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય તે સંભવ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જુદો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પહેલા સરકારનો એક પણ નિર્ણય પસંદ ના આવે તો વિરોધ કરાતો હતો. પરંતુ હવે લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવે છે અને ભવિષ્યમાં આનું પરિણામ સારું નહીં આવે

ઐતિહાસિક કૃષિ સંશોધનોને લઈને પણ આવી રમત રમાઈ રહી હોવાનું પીએમ મોદીએ જણાવ્યું હતું. લોકો છે જેમણે ખેડૂતો સાથે કપટ કર્યું છે. ટેકાના ભાવ હતા પરંતુ ખરીદી ઓછી કરાતી હતી. ખેડૂતો સાથે કપટ કરાતું હતું. ખેડૂતોના મોટા મોટા દેવા માફ કરાતા હતા પરંતુ તેની રકમ ખેડૂતો સુધી પહોંચતી નહતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના ખંડૂરી ગામમાં વારાણસી-પ્રયાગરાજ માર્ગીય હાઈવેનું લોકાર્પણ કર્યા બાદ જનસભાને સંબોધતા દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી હતી. પીએમએ જણાવ્યું કે નવા કૃષિ સંશોધનોને પગલે ખેડૂતો માટે નવા રસ્તાઓ ખુલ્યા છે નવી તકો મળી છે. કાયદામાં જૂની સિસ્ટમ પર રોક લગાવવાની જોગવાઈ નથી. અગાઉ યાર્ડની બહાર થતી લેવડદેવડ ગેરકાયદે હતી. જેને પગલે નાના ખેડૂતો સાથે છેતરપિંડી થતી હતી, વિવાદો થતા હતા. હવે નાના ખેડૂતો પણ માર્કેટિંગ યાર્ડ બહાર થયેલા દરેક સોદા માટે કાયદાકીય પગલાં લઈ શકે છે.

ખેડૂતોને નવા વિકલ્પો પણ મળ્યા છે અને છેતરપિંડી સામે કાયદાનું રક્ષણ પણ છે. ખેડૂતોના વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવીને તેમને સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોના હિતમાં સુધારો કરવામાં આવી રહ્યો છે જેનાથી તેમને વધુ વિકલ્પો પ્રાપ્ત થઈ શકશે. શું ખેડૂતને તેની ઉપજની વધુમાં વધુ કિંમત ચૂકવનારને તે પોતાનો પાક વેચે તેવી સ્વતંત્રતા ના મળવી જોઈએ તેવો સવાલ પીએમ મોદીએ કર્યો હતો.

પીએમ મોદીએ ખેડૂત આંદોલનની વચ્ચે આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં ખેડૂતોને ખાસ રીતે યાદ કર્યા. પીએમએ પોતાના સંબોધનમાં કાશીના ખેડૂતોને 'અન્નદાત્તાલ્લ કહીને સંબોધતા નમસ્કાર કર્યા. પીએમ મોદીએ વિરોધ પક્ષ પર ખેડૂતોને ભડકાવવાનો આરોપ લગાવતા કહ્યું કે દશકો સુધી ખેડૂતો સાથે છેતરપિંડી થઈ અને હવે આવું કરનારાઓ દેશના અન્નદાતાઓમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. પીએમે પોતાના ભાષણમાં ખેડૂતોના દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, "કૃષિ કાયદા પર ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જેમણે ખેડૂતો સાથે છેતરપિંડી કરી તેઓ હવે ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. નવા કાયદા ખેડૂતોને વિકલ્પ આપનારા છે. પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકાર તો મંડીઓને વધારે આધુનિક બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. એમએસપી પર ખેડૂતોનું ઉત્પાદન વેચવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે, તમારે યાદ રાખવાનું છે કે લોકો છે જે પીએમ કિસાન સન્માન નિધિને લઈને પ્રશ્નો ઊઠાવતા હતા. લોકો અફવા ફેલાવતા હતા. એક રાજ્યએ કિસાન સન્માન યોજનાને પોતાના રાજ્યમાં લાગૂ ના કરવા દીધી. કેટલાક લોકોએ તો પોતાની રાજનીતિ બચાવવા માટે આવું કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, જો કોઈ જૂની સિસ્ટમથી લેવડ-દેવડને યોગ્ય સમજે છે તો કાયદામાં કોઈ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. નવા કૃષિ સુધારાઓમાં નવા વિકલ્પ અને નવા કાયદા અને સંરક્ષણ આપવામાં આવ્યું છે." તેમણે કહ્યું કે, "છેલ્લા કેટલાક સમયથી એક અલગ ટ્રેન્ડ દેશમાં ચાલી રહ્યો છે.

પહેલા જો સરકારનો કોઈ નિર્ણય પસંદ નહોતો આવતો તો વિરોધ થતો હતો. પરંતુ હવે વિરોધનો આધાર નિર્ણય નહીં, પરંતુ ભ્રમ ફેલાવવામાં આવે છે. એજ લોકો છે જેમણે દશકો સુધી ખેડૂતો સાથે દગો કર્યો હતો. પહેલા એમએસપી તો હતી, પરંતુ તેના પર ખરીદી નહોતી થતી. વર્ષો સુધી એમપીએસને લઇને દગો કરવામાં આવ્યો. પીએમ મોદીએ કહ્યું કે, પહેલાની સરકારોએ દગો કર્યો. યોજનાઓના નામે દગો, ખેડૂતોના નામે દગો, ઉત્પાદન પર દગો. ખાતર ખેતરથી વધારે કાળાબજારીઓની પાસે પહોંચતુ હતુ. પહેલા વોટ માટે વાયદો અને પછી દગો. લાંબા સમયથી ચાલતુ રહ્યું છે.

જ્યારે ઇતિહાસ દગાઓનો રહ્યો હોય, ત્યારે બે વાતો સ્વાભાવિક છે. પહેલી કે ખેડૂતો જો સરકારની વાતો પર શંકા કરે છે તો તેની પાછળ દશકો સુધીનો લાંબો દગાનો ઇતિહાસ છે. જેમણે વાયદા તોડ્યા, દગો કર્યો તેમના માટે જૂઠ ફેલાવવું એક રીતે આદત અને મજબૂરી બની ગઈ છે, કેમકે તેમણે આવું કર્યું હતુ. કારણે ફૉર્મ્યૂલા લગાવીને તેઓ જોઇ રહ્યા છે.

(7:47 pm IST)