Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કેરળમાં CPMના બે કાર્યકર્તાઓની હત્યા

CPMનો આરોપ, કાર્યકર્તાઓની હત્યા માટે કોંગ્રસ પાર્ટી જવાબદાર

તિરુવનંતપુરમ, તા.૩૧: કેરળના તિરુવનંતપુરમમાં સીપીએમના બે કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. તેમની પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ એક કાર્યકર્તાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું હતું જયારે અન્ય કાર્યકર્તાને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો જયાં તેનું મોત થયું હતુ. સીપીએમએ આ હુમલા માટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. પોલીસે શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરી છે.

આ સમગ્ર ઘટના વેંજરામૂડુ વિસ્તારની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવારે મોડી રાત્રે વેમબાયમના રહેવાસી મિથિલજ અને હક મોહમ્મદ બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા. તેઓ થોમ્મપામ્મુડૂ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યાંજ રસ્તામાં તેમના પર હુમલો થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, જેવીરીતે બંને પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો તેના પરથી લાગી રહ્યું છે કે હુમલાખોર ઓછોમાં ઓછા પાંચ લોકોના સમૂહે હુમલો કર્યો હતો. બંનેના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે.  સીપીએમએ આક્ષેપ કર્યો છે કે, તેમના કાર્યકર્તાઓની હત્યા પાછળ કોંગ્રેસ છે. આરોપ કરવામાં આવ્યો છે કે રાજકીય બદલો લેવા માટે બંને કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે.

(3:41 pm IST)