Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

IPL -2020 :કોલકાતા સામે રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર ઇનિંગથી ચેન્નાઈનો છ વિકેટે વિજય : મુંબઈ ઇન્ડિન્સની પ્લે ઓફમાં એન્ટ્રી

રવિન્દ્ર જાડેજાએ 11 બોલમાં 31 રન ફટકાર્યા :કોલકાતાના નિતિશ રાણાએ 61 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 87 રન કર્યા

 

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 49મી મેચમાં ગુરુવારે પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ ચુકેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્ વચ્ચે રમાઇ હતી. જેમાં ચેન્નઈએ 6 વિકેટથી જીત મેળવી છે. રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરોમાં શાનદાર રમત રમી ચેન્નઈને જીત અપાવી હતી  તેની સાથે મુંબઈ ઇન્ડિન્સની પ્લે ઓફમાં એન્ટ્રી થઇ ગઇ છે.

ચેન્નઈ સુપર કિંગ્સેએ ટોસ જીતી કોલકાતા નાઇટ રાઇડર્સને બેટિંગ આપી હતી શુભમન ગિલ અને નિતિશ રાણા વચ્ચે 50 રનની ભાગેદારી થઇ હતી. કોલકાતાની પ્રથમ વિકેટ શુભમન ગિલ તરીકે પડી હતી. તેણે 17 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા. જ્યારે સુનિલ નરેને 1 છગ્ગાની મદદથી 7 રન કર્યા. કોલકાતા તરફથી સૌથી વધુ રન નિતિશ રાણાએ કર્યા હતા. તેણે 61 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 87 રન કર્યા. તે ઉપરાંત રિંકુ સિંઘ 11, કેપ્ટન ઇઓન મોર્ગન 15, કાર્તિક 21* અને ત્રિપાઠીએ 3* રન બનાવ્યા. કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટના નુકશાને 172 રન બનાવ્યા હતા

ચેન્નઈ સુપર કિંગ્સના બોલરોએ કોલકાતા નાઇટ રાઇડર્સના 5 વિકેટ લીઘી હતી સૌથી વધુ લુંગી નગીડીએ 2 વિકેટ ઝડપી. જ્યારે મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા અને કર્ણ શર્માએ 1-1 વિકેટ ઝડપી.

કોલકાતા નાઇટ રાઇડર્સએ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 173 રનનો લક્ષ્ય આપ્યો હતો. જે રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગની મદદથી પ્રાપ્ત કરી લીધુ. ચેન્નઈ તરફથી સૌથી વધુ રન ઋતુરાજ ગાયકવાડે કર્યા. તેણે 53 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 72 રન કર્યા, જ્યારે શેન વોટ્સન 14, અંબાતિ રાયડૂ 38, કેપ્ટન ધોની 1, સેમ કરન 13* અને રવિન્દ્ર જાડેજાએ 11 બોલમાં 31 રન બનાવ્યા. ચેન્નઈએ કોલકાતા સામેની મેચ 6 વિકેટથી જીતી છે. કોલકાતા નાઇટ તરફથી પેટ કમિન્સ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ ઝડપી હતી

(12:02 am IST)