Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

જાણીતા પત્રકાર ઉદય માહુરકર દેશના નવા માહિતી કમિશ્નર બન્યાઃ ચોમેરથી અભિનંદન વર્ષા

જયારે ચીફ ઇન્ફર્મેશન કમિશ્નર પદે યશવર્ધન સિન્હાની નિમણૂંક થઇ

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ  મોદીની આગેવાની ધરાવતી કેન્દ્રીય પેનલે ઇન્ફોર્મેશન કમિશનરપદ માટે દેશના વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદય માહુરકરની પસંદગી કરી છે. શ્રી ઉદય માહુરકર હાલમાં ઇન્ડિયા ટુડે જૂથમાં ડેપ્યુટી એડિટર તરીકે ફરજ બજાવેછે. પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે દીર્ઘ કારકિર્દી ધરાવતાં આ પત્રકાર, સંઘ પરિવાર સાથે નજીકનો ધરોબો ધરાવતા હોવાનું  માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી માહુરકરે વડા પ્રધાન મોદી પર ''મચિંગ વિથ અ બિલિયન અને સેન્ટર સ્ટેજઃ ઇનસાઇડ ધ નરેન્દ્ર મોદી'' પુસ્તક પણ લખ્યું છે. જે બહોળી પ્રશંસા પામ્યું હતું.

ઇંદોરમાં જન્મેલા શ્રી માહુરકરે તેમનું શિક્ષણ વડોદરામાં મેળવ્યું છે અને કારકિર્દીની શરૂઆત અમદાવાદ ખાતે ઇન્ડિયન એકસપ્રેસમાં સબ-એડિટર તરીકે કરી હતી.

જયારે વિદેશ સેવાના પૂર્વ અધિકારી યશવર્ધન સિન્હાની નવા ચીફ ઇર્ન્ફોમેશન કમિશનર (સીઆઇસી) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. યશવર્ધન સિન્હા પહેલેથી જ માહિતી કમિશનર તરીકે કાર્યરત હતા અને કામગીરીમાં વરિષ્ઠ હોવાથી તેમના સીઆઇસી પદે પસંદગી કરવામાં આવી છે.

શ્રી ઉદયભાઇ સાથે અકિલા પરિવારનો લાંબા સમયનો પારિવારિક નાતો રહયો છે. અકિલા પરિવાર વતી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી નિમિષ ગણાત્રાએ હ્ય્દયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી ઉદય માહુરકરની કલમે ઇન્ડિયા ટુડેમાં અનેક સ્ટોરી બ્રેક કરી છે. જેને દેશભરમાં પ્રસિધ્ધિ મળી છે.

ગુજરાત સાથે વર્ષોથી તેઓનો અતૂટ નાતો રહયો છે.

શ્રી ઉદયભાઇ ઉપર દેશભરમાંથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. (મો.૯૮રપ૦ ૯૬૪૧૦)

(11:04 am IST)