Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ટાટા-મિસ્ત્રી વિવાદનો અંતિમ પ્લાન

ટાટા ગ્રુપ સાથે છેડો ફાડવા શાપુરજી પાલનજીએ કોર્ટમાં રજુ કર્યો પ્લાન

શાપુરજી પાલોનજીએ ટાટાની બધી કંપનીઓમાં ભાગ માંગ્યો

નવી દિલ્હી તા. ૩૦ : ઓકટોબર ર૦૧૬માં અચાનક જ બોર્ડ મીટીંગમાંથી સાયરસ મિસ્ત્રીની દેશના સૌથી જુના અને મોટા ઉદ્યોગગૃહ તાતા જુથમાંથી હકાલપટ્ટી કર્યા બાદ તાતા ફેમિલી અને શાપુરજી પાલોનજી કુટુંબ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે અંતિમ તબક્કામાં પ્રવેશ્યો હોય એવું લાગી રહ્યું છે. પાલોનજી ગ્રુપ દ્વારા બન્ને કુટુંબ વચ્ચેની સાત  દાયકા જુની ભાગીદારીનો અંત લાવવા માટે તાતા સન્સમાં પોતાના શેરહોલ્ડિંગ સામે તાતા જુથની લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સો માગી વિવાદનો ઉકેલ લાવવાનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.

આ ફોર્મ્યુલા અનુસાર શાપુરજી પાલોનજી જુથને તાતા સન્સની શેર શેપિટલમાં પોતાનો હિસ્સો ક્રમશઃ ઘટાડશે અને તેની સામે તાતા જુથની કંપનીઓમાં શેરની ફાળવતી કરવામાં આવે, આ ઉપરાંત જે કંપનીઓ લિસ્ટેડ નથી એમાં હિસ્સા માટે રોકડ આપવામાં આવે એવી દરખાસ્ત છે.

તાતા જૂથની દરેક કંપનીઓના માલિક તાતા સન્સ છે. અને એમાં તાતા ટ્રસ્ટનો હિસ્સો ૬૬ ટકા છે, જયારે શાપુરજી પાલોનજી કે મિસ્ત્રી જૂથ પાસે ૧૮.૩૭ ટકા હિસ્સો છે. આ હિસ્સાની વર્તમાન બજારકિંમત ૧,૭પ,૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે મિસ્ત્રી જુથે પ્રસ્તાવ કર્યો છે જે લિસ્ટેડ શેરની બજાર કિંમતની જાણકારી સહેલી છે. જે લિસ્ટેડ નથી એનું મૂલ્ય આંકવામાં આવે, બ્રેન્ડની કિંમત દર વર્ષે તાતા જૂથ દ્વારા કરવામાં આવે છે અને જરૂર પડયે ત્રાહિત પક્ષે મુલ્ય નકકી કરવામાં આવે.

મિસ્ત્રી જુથની આ ફોર્મ્યુલાનો સ્વીકાર કરવામાં આવે તો ઉદાહરણ તરીકે ટીએસી.એસના તાતા સન્સના ૭ર ટકા હિસ્સા સામે મિસ્ત્રી જૂથને ૧૩.રર ટકા શેર મળે. ઉપલબ્ધ માહિતી અનુસાર જે કંપનીઓ લિસ્ટેડ છે એમાં તાતા જુથની સાથે મિસ્ત્રી જૂથનો હિસ્સો ચાર ટકાથી ૧૩.પ ટકા વચ્ચે થઇ શકે છે.

આ ફોર્મ્યુલા અનુસાર તાતા જુથ ફાઉન્ડર અને પ્રમોટર તરીકે દરેક કંપનીમાં બહુમત હિસ્સો જાળવી શકશે અને કોઇ મોટી રોકડની તાતા જુથને જરૂર રહેશે. નહી. આ ઉપરાંત મિસ્ત્રી જુથે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જો કોઇ કંપનીમાં તાતા જુથ હિસ્સો આપવા ઇચ્છે નહી તો મિસ્ત્રી એની સામે રોકડ લેવા પણ અત્યારે તૈયાર છે.

(12:49 pm IST)