Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

તારક મહેતા ફેમ 'ગોગી'ને મારી નાખવાની ધમકી મળી

સમય શાહને ગત કેટલાંક દિવસોથી જીવથી મારી નાંખવાની ધમકી મળી રહી છેઃ સમય પર કેટલાંક લોકોએ તેની જ બિલ્ડિંગની બહાર ટોળામાં આવીને તેનાં પર હુમલો કર્યો હતો અને તેની સાથે મારામારી કરવાનો પ્રયાસ કરેલ

મુંબઇ, તા.૩૦: ટીવીનાં પ્રખ્યાત શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં ગોગીનું કેરેકટર અદા કરી રહેલાં સમય શાહ પર હુમલો થયો છે. એકટર પર આ હુમલો તેની બિલ્ડિંગની બહાર થયો છે. જયાં કેટલાંક ગુંડાઓએ મળી તેનાં પર હુમલો કર્યો છે. એટલું જ નહીં સમય શાહને છેલ્લા કેટલાંક દિવસોથી જીવથી મારી નાંખવાની ધમકી મળી રહી હતી. ગત દિવસે સમય પર કેટલાંક લોકોએ તેની બિલ્ડિંગની બહાર ઝુંડમાં આવીને હુમલો કર્યો હતો અને તેની સાથે મારપીટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

સમયની માતાનાં જણાવ્યાં અનુસાર, આવું પહેલી વખત નથી જયારે સમય પર હુમલો થયો હોય. આ પહેલાં પણ તેની પર હુમલો થઇ ગયો છે. સમયની માતાએ દાવો કર્યો છે, તેમને પોતે જોયું કે, કેટલાંક છોકરાઓ તેમનાં દીકરાને નુકશાન પહોંચાડવાની નીયતથી તેમની બિલ્ડિંગનાં પરિસરમાં ઘુસ્યા હતાં. જયારે તેમને પુછવામાં આવ્યું કે, તેઓ આમ કેમ કરે છે તેઓ શું ઇચ્છે છે, તો તેનો જવાબ આપવાની જગ્યાએ તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા અને સમયની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા.

સમયની માતાએ કહ્યું કે, 'જયારે અમે તેમની પુછરછ માટે ગયા કે તેમને શું પરેશાની છે તો તેઓ ગંદી ભાષાનો ઉપયોગ કરવાં લાગ્યાં હતાં. આવું તેની સાથે ત્રીજી વખત થયું છે. જયારે સમયની સાથે આ પ્રકારની ઘટના થઇ છે ત્યારે અમે આખો પરિવાર ખુબજ પરેશાન છીએ.'

અમે આ મામલે પોલીસ ફરિયાદ પણ કરી લીધી છે. આ ઘટના સાંજે ૮.૩૦ વાગ્યાની આસપાસ થઇ હતી. જયારે સમય તેની શૂટિંગ પૂર્ણ કર્યા બાદ ઘરે આવ્યો હતો ત્યારે તેની ઉપર હુમલો થયો હતો.

(3:12 pm IST)