Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

તુર્કીમાં 7.0 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ:અનેક ઈમારતો જમીનદોસ્ત : છ લોકોના મોત :200થી વધુ ઘાયલ

ભૂકંપ બાદ ગ્રીસમાં સુનામી : સમોસના પૂર્વ ઈર્જિયન સાગર દ્વીપ પર મિની સુનામી ;આસપાસની ઈમારતોને નુક્સાન

એથેન્સ: તૂર્કી અને ગ્રીસ સરહદ પર શુક્રવારે ભૂકંપનો ભયંકર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપનીતીવ્રતા 7.0 માપવામાં આવી છે. ભૂકંપ બાદ ગ્રીસમાં સુનામી આવી હતી. ભૂકંપે તુર્કીમાં ભારે વિનાશ વેર્યો છે. ઈજમિરમાં અનેક ઠેકાણે ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે.

તુર્કીમાં ભૂકંપના કારણે 6 લોકો મોતને ભેટ્યાં છે. જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. તુર્કીના સ્વાસ્થ્ય મંત્રી ફહાર્ટિન કોકાએ કહ્યું કે, દુર્ભાગ્યવશ અમારા 6 નાગરિકોએ ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તૂર્કીના સરહદી શહેર ઈજમિરમાં ઈમારતો ધરાશાયી થઈ હઈ છે. તુર્કી મીડિયાના જણાવ્યા મુજબ, ઈજમિરના ગવર્નરે કહ્યું કે, 70 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે.

તુર્કીના અન્ય એક મંત્રી સુલેમાન સોયલૂએ ટ્વીટર પર કહ્યું કે, અત્યાર સુધી અમને 6 ઈમારતો ધરાશાયી થઈ હોવાની જાણકારી મળી છે. ભૂકંપના  કારણે બોર્નોવા અને બેરાકલી શહમાં ઈમારતોમાં તિરાડો પડી છે. હાલ રેસ્ક્યૂ માટે વિવિધ ટીમો અલગ-અલગ શહેરોમાં કામ કરી રહી છે.

બીજી તરફ ગ્રીક મીડિયાના જણાવ્યા મુજબ, ભૂકંપથી સમોસના પૂર્વ ઈર્જિયન સાગર દ્વીપ પર એક મિની સુનામી આવી હતી. જેનાથી આસપાસની ઈમારતોને નુક્સાન પહોંચ્યું છે. અમેરિકન જિયોલૉજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગ્રીસના નોન કાર્લોવસિયન શહેરની ઉત્તર-પૂર્વમાં 14 કિલોમીટરના અંતરે હતું.

તુર્કીના મીડિયાનું કહેવું છે કે, ભૂકંપ એજિયન અને મરમરા બન્ને વિસ્તારોમાં અનુભવાયો છે. ઈસ્તંબુલના ગવર્નરે કહ્યું છે કે, નુક્સાન વિશે કોઈ વધારે વિગતો નથી મળી. ઉપરાંત ગ્રીકની રાજધાની એથેન્સમાં પણ લોકોના ભૂકંપના આંચકા અનુભવાયા છે.

(12:13 am IST)