મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

મિઠાઇઓ પર ઉત્પાદનની તારીખ દર્શાવવાના નિયમ સામે વિરોધ

રસગુલ્લા, રસમલાઇ અને મિસ્ટી દોઇ જેવી મિઠાઇઓની ટ્રે પર 'બેસ્ટ બીફોર તારીખ'ના સ્ટીકર લગાડવા અશકયઃ મોટી દુકાનો - આઉટલેટ્સવાળા સ્ટિકર્સ લગાડશે, પણ નાની ગલીઓમાંના નાના મિઠાઇવાળાઓ માટે એમ કરવું મુશ્કેલ

કોલકાતા તા. ૨ : ૧ ઓકટોબરથી તમામ પેક ન કરાયેલી (ખુલ્લી રાખેલી) મિઠાઇઓ ઉપર પણ તે કઇ તારીખ સુધી ખાવા માટે આરોગ્યપ્રદ છે એ (બેસ્ટ બીફોર તારીખ) દર્શાવવાનો ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આદેશ સામે પશ્ચિમ બંગાળના મિઠાઇની દુકાનોના માલિકોએ વિરોધ કર્યો છે.

મિઠાઇ માલિકોએ કહ્યું છે કે આ આદેશ પશ્ચિમ બંગાળ રાજ્યની આબોહવાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા અવ્યવહારૂ છે, કારણ કે મોટા ભાગની મિઠાઇઓ માત્ર એક જ દિવસ ખાવાલાયક રહેતી હોય છે.

બંગાળના મિઠાઇ અને ફરસાણના ઉત્પાદકોના સંગઠને રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને પત્ર લખ્યો છે અને કેન્દ્ર સરકાર સાથે આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.

એક મિઠાઇ માલિકે કહ્યું કે દરેક મિઠાઇની દુકાનના ગ્રાહકો મિઠાઇઓની ગુણવત્તા અને તાજાપણા વિશે દુકાન પર ભરોસો રાખતા હોય છે. એનું પ્રમાણપત્ર કોઇ સત્તાવાર જાહેરાતથી કરાવી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં તમામ મિઠાઇઓની પ્રત્યેક ટ્રે પર સંબંધિત મિઠાઇ કઇ તારીખ સુધીમાં ખાવા માટે આરોગ્યપ્રદ છે તે દર્શાવતા સ્ટિકર્સ મુકવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મિઠાઇ માલિકોનું કહેવું છે કે રસગુલ્લા, રસમલાઇ અને મિસ્ટી દોઇ જેવી મિઠાઇઓની ટ્રે પર 'બેસ્ટ બીફોર તારીખ'ના સ્ટીકર લગાડવા અશકય છે. વધુમાં, મોટી દુકાનો - આઉટલેટ્સવાળા સ્ટિકર્સ લગાડશે, પણ નાની ગલીઓમાંના નાના મિઠાઇવાળાઓ માટે એમ કરવું મુશ્કેલ બનશે.

(10:05 am IST)