મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

GST ૩બી રીટર્નઃ બિલિંગ ડેટા આધારે સ્વચાલિત રીટર્ન સુવિધા હવે ઉપલબ્ધ

રીટર્ન અપલોડ કરતા વેપારી તેમાં સુધારો પણ કરી શકશેઃ વેપારીઓને રીટર્ન ભરવામાં તકલીફ નહીં પડે તે માટે ચાલી રહેલી કવાયત

મુંબઇ, તા.૨: વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા ૩બી રીટર્નનુ ફોર્મ તૈયાર ભરીને જ આપવામાં આવે તે દિશામાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. કારણ કે વેપારીઓએ રીટર્ન ભરવામાં તકલીફ નહીં પડે તે માટે આ પ્રમાણેની કાર્યવાહી શરુ પણ કરી દેવામાં આવી છે. જેથી આગામી થોડા દિવસોમાં વેપારીઓને આ સુવિધાનો લાભ મળે તેવી શકયતા છે.

હાલમાં જીએસટીમાં ઈવેબિલ બનાવવાની કાર્યવાહી ઓનલાઇન જ કરવામાં આવે છે. તેના કારણે વેપારીઓએ કરેલા ખરીદ વેચાણની વિગતો વિભાગ પાસે હોય છે.આ વિગતોના આધારે જ જીએસટીઆર રમાં વેપારીને કેટલા રૂપિયાની ક્રેડિટ જમા છે તેની જાણકારી સરળતાથી મળી રહે છે. તેનાથી એક કદમ આગળ વધીને હવેથી વેપારીઓના જીએસટી નંબરના આધારે સમગ્ર માસ દરમિયાન કેટલા રૂપિયાની ખરીદી કરી અને કેટલા સંપિયાનુ વેચાણ કર્યું તેની વિગતો વિભાગ પાસે હોય જ છે. આ વિગતોના આધારે હવેથી જીએસટી ૩બી રીટર્નનુ ફોર્મ જ તૈયાર ભરીને આપવા માટેની નવી વ્યવસ્થા ઉભી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

વિભાગ દ્વારા વેપારીઓને જીએસટીનુ ૩બી રીટર્નનો ડેટા ભરીને આપ્યા બાદ તેમાં સુધારા વધારા કરી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. કારણ કે કેટલાક વેપારીઓએ માલની ખરીદી કર્યા બાદ સામે વાળા વેપારીએ ભરપાઇ કરવાનો થતો જીએસટી ભરપાઇ કર્યો નહીં હોય તો વેપારી આઇટીસી કલેઇમ કરી નહીં શકે. જેથી ખરીદેલા માલની આઇટીસી કલેઈમ નહીં કરવા માટે જીએસટી ૩બી રીટર્નના ફોર્મમાં સુધારા કર્યા બાદ જ વેપારી રીટર્ન ફાઇલ કરી શકશે. કારણ કે તેમાં સુધારો કર્યા વિના વધુ આઈટીસી કલેઇમ કરવામાં આવે તો પણ વેપારીએ દંડ અને વ્યાજ ભરવાની નોબત આવે તેમ છે. જેથી સુધારા કરવાની સુવિધા આપવામાં આવનાર છે.

પીડીએફ સ્વરૂપનું રિટર્ન વેપારીને મળશે

વેપારી દ્વારા જીએસટી ૩બી રીટર્ન ભરવા માટે વેબસાઇટ પર લોગીન કર્યા બાદ પીડીએફ રુપે ૩બી રીટર્ન ભરેલુ ફોમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત શરુઆતના બેથી ત્રણ મહિના પ્રાયોગિક ધોરણે તેનો અમલ કરવામાં આવશે. જેથી વેપારીઓને તેની પુરતી જાણકારી મળી રહે તેમજ લોકોને પડતી તકલીફ પણ દુર કરી શકાય. ત્યાર બાદ તેનો અમલ કરવાની દિશામાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

(11:18 am IST)