હવે પીવાનું પાણી પણ થશે મોંઘુ : આગામી માર્ચ 2021થી પાણીના ભાવમાં થશે વધારો
પીવાનું પાણી 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક ઉપયોગના પાણીમાં 1000 લિટરે 3.13 રૂપિયાનો વધારો ઝીકાશે: નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકો પર આ ભાવવધારો લાગુ પડશે
અમદાવાદ : હવે રાજ્યમાં પીવાનું પાણી પણ મોંઘુ થવા જઈ રહ્યું છે. માત્ર પીવાનું પાણી જ નહિ, પરંતુ ઉદ્યોગો માટેના વપરાશનું પાણી પણ મોંઘું થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ આગામી વર્ષથી પાણીના ભાવમાં વધારો થશે. માર્ચ 2021 થી પીવાનું પાણી 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક ઉપયોગના પાણીમાં 1000 લિટરે 3.13 રૂપિયાનો વધારો થશે
આગામી નવા વર્ષથી ગુજરાતવાસીઓને પાણીના વપરાશ માટે વધુ રૂપિયા આપવાના રહેશે. ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકો પર આ ભાવવધારો લાગુ પડશે. ગુજરાતમાં ઠેરઠેર પીવા અને ઉદ્યોગો માટે નર્મદાના પાણીનો ઉપયોગ કરવામાં આવશે. માર્ચ 2021 પછી પીવા માટેના પાણીના દરમાં 38 પૈસાનો તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં 3.13 રૂપિયાનો વધારો થશે.
નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. ગુજરાતમાં 2006-07ના વર્ષે પહેલીવાર પાણીના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારે પીવાના પાણી માટે 1 રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયા હતા.