મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

સરહદે તણાવ વધ્યો : ચીન રઘવાયું બન્યું : બોમ્બર,એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવી :મોટાપાયે સૈનિકો તૈનાત

બંને દેશો વચ્ચે જંગની સ્થિતિ સર્જાઇ હોવાનો ગ્લોબલ ટાઇમ્સનો અહેવાલ

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદે તનાવની સ્થિતિ વધી  છે. ચીની સૈનાએ 45 વર્ષમાં પહેલી વાર ગોળીબાર કર્યા બાદ પીપલ્સ લિબ્રેશન આર્મી (PLA)એ બોમ્બર, એર ડિફેન્સ સિસ્ટમ, સૈનિકો સહિતના શસ્ત્રો તહેનાત કર્યા છે, ગ્લોબ્લ ટાઇમ્સે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે જંગની સ્થિતિ સર્જાઇ છે.

ભારત-ચીન વચ્ચે મે મહિનામાં પૂર્વ લદ્દાખ વચ્ચે શરુ થયેલો તનાવપૂર્ણ વિવાદ હવે ગંભીર સ્વરુપે લઇ રહ્યું છે. રિપોર્ટ મુજબ ગલવાન ખીણમાં હિંસા, પેંગોન્ગ સરોવર પરની અથડામણ બાદ ચીન ભારત પર ગોળીબાર કરવાનો આરોપ મૂકી રહ્યો છે. સાથે તેની પીપલ્સ લિબ્રેશન આર્મી સરહદે ભારે સૈન્ય સહિત શસ્ત્રો તહેનાત કરી રહી છે.

ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે સંરક્ષણ નિષ્ણાતોને ટાંકીને દાવો કર્યો છે કે,ચીનની PLAએ સુરક્ષાબળોની સંખ્યા વધારવાની સાથે યુદ્ધઅભ્યાસ પણ શરુ કરી દીધો છે. અખબારે લખ્યું છે કે એર ડિફેન્સ સિસ્ટમ, સશસ્ત્ર વાહનો, પેરાટ્રૂપર્સ, સ્પેશિયલ ફોર્સ અને ઇન્ફન્ટ્રીને ચીનના ખૂણે ખૂણેથી બોલાવી ભારત સાથેની સરહદે ગોઠવવામાં આવી રહ્યા છે. ઉપરાંત PLAના સેન્ટ્રલ થિયેટર કમાન્ડ એરફોર્સના H-6 બોમ્બર અને Y-20 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટર ટ્રેનિંગ મિશન માટે તહેનાત કરી દીધા છે.

ગ્લોબલ ટાઇમ્સે મીડિયા રિપોર્ટ્સને ટાંકીનો દાવો કર્યો કે લાંબા અંતરના ઓપરેશન્સ, લાઇવ ફાયર ડ્રીલ સાથે શસ્ત્રો-બળોની તહેનાતી ઘણા સપ્તાહથી ચાલુ છે. આ કાર્યવાહી ઉત્તર-પશ્ચિમ ચીનના રણ પ્રદેશ અને દક્ષિણ-પશ્ચિમ ચીનના તિબેટ ક્ષેત્રમાં કરવામાં આવી રહી છે. ચીનના સેન્ટ્રલ ટીવી (CCTV)એ ગત સપ્તાહે દાવો કર્યો હતો કે PLAની 71મી ગ્રૂપ સેનાની HJ-10 એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ પૂર્વ ચીનના જિયાંગ્સુ પ્રાંતથી ગોબી રણ ક્ષેત્રમાં પહોંચાડાઇ છે.

ચીનની પબ્લિક લિબ્રેશન આર્મી તિબેટ મિલિટરી કમાન્ડે 4500 મીટરની ઊંચાઇએ સંયુક્ત બ્રિગેડ સ્ટ્રાઇક એક્સરસાઇઝ કરી છે. પીએલએની 72મી ગ્રૂપ સેના પણ ઉત્તર પશ્ચિમ ચીનમાં પહોંચી ગઇ છે. અહીં તેની એર ડિફેન્સ બ્રિગેડે પણ લાઇવ ફાયર ડ્રીલ કરી હતી. જેમાં એન્ટી એરક્રાફ્ટ ગન અને મિસાઇલ અભ્યાસ સામેલ છે. પરંતુ સામે ચીનના પશ્ચિમ થિયેટર કમાન્ડે આરોપ મૂક્યો કે 7 સપ્ટેમ્બરે તેના સૈનિકો વાતચીત માટે ગયા ત્યારે ભારતીય સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

(12:00 am IST)