મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

સમગ્ર વિશ્વની નજર આ મહત્વની બેઠક પર

મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચે મુલાકાત

સરહદે સ્થિતિને સામાન્ય કરવાની દિશામાં ચર્ચા થઈ શકેઃ કોઈ રસ્તો પણ નીકળી શકે છેઃ બંને દેશના વિદેશ પ્રધાનો શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં સામેલ થવા મોસ્કોમાં છે

મોસ્કો, તા.૧૦: ચીની સરહદે તણાવ વચ્ચે આજે રશિયાના મોસ્કોમાં ભારત  અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચે મુલાકાત થવાની છે. જેના પર સૌની નજર મંડાયેલી છે.. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે થનારી મુલાકાત સરહદે સ્થિતિને સામાન્ય કરવાની દિશામાં ચર્ચા થઈ શકે છે.

એક તરફ એલએસી પર બંને દેશોના સૈનિકો કેટલાક મીટરની અંતરે જ આમને-સામને તૈનાત છે. તેવામાં બંને દેશોના વિદેશ પ્રધાનની મુલાકાત મહત્વની બની રહે છે. એસ. જયશંકર અને વાંગ યી વચ્ચેની મુલાકાતમાં મોદી અને જિનપિંગ વચ્ચે બેઠક કરવાને લઈને કોઈ ચર્ચા થાય તેવી પણ આશા છે.

ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે રેઝાંગ-લામાં ચીેન સળી કર્યા પછી હવે ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા છે. રેઝાંગ લા પાસ વિસ્તારમાં તો બન્ને દેશના સૈનિકો વચ્ચે માંડ ૨૦૦ મિટરનું અંતર છે. બન્ને દેશના સૈનિકો એકબીજાની રાઈફલની ફાયરિંગ રેન્જમાં જ છે. સામાન્ય રીતે ચીન એલએસી પર બન્ને દેશના સૈનિકો આટલા નજીક હોતા નથી. રેઝાંગ લા ખાતે ચીને હુમલાનો પ્રયાસ કર્યા પછી ભારતે સતર્કતા દાખવી છે અને એરફોર્સના ફાઈટર તથા ટ્રાન્સપોર્ટ વિમાનના આંટા-ફેરા વધી ગયા છે. ફાઈટર વિમાનો આકાશી પેટ્રોલિંગ કરે છે, જયારે સી-૧૭ ગ્લોબમાસ્ટર જેવા કદાવર ટ્રાન્સપોર્ટ વિમાનો સૈન્ય સામગ્રીની હેરાફેરી કરે છે.

(11:10 am IST)