મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

આર્મીએ કમાન્ડર્સને આપી સૂચના

કોઈ પણ ભોગે ચીનના સૈન્યને ઉલ્લંઘન કરવા ન દો

ભારતીય લશ્કરે તેની ફિલ્ડ કમાન્ડર્સને અત્યંત શિસ્ત જાળવી રાખવાની પણ સૂચના આપી દીધી છે

નવી દિલ્હી,તા.૧૦ : ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય લશ્કરે તેના ફિલ્ડ કમાન્ડર્સને સૂચના આપી દીધી છે કે કોઈ પણ ભોગે ચીનના સૈન્યને ઉલ્લંઘન કરવા ન દે અને ભારતીય વિસ્તારની સુરક્ષા કરતી વખત અત્યંત શિસ્ત જાળવી રાખે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્ડ કમાન્ડર્સને તે પણ કહેવામાં આવ્યું છે કે પોત-પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વધારે પડી શકિતનું પ્રદર્શન ન કરે અને વધારે પડતા દળોનો પણ ઉપયોગ ન કરે.

સરહદ પર ચાલી રહેલી વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે સૂત્રોએ કહ્યું છે કે ચીનના સૈન્યએ તિબેટમાં તેમના હસ્તકના વિસ્તારમાં ફાયરિંગની પ્રેકિટસ કરી રહ્યા છે પરંતુ તે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (એલએસી) અને અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સરહદમાં પણ સંભળાઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય લશ્કર રેઝાંગ લા અને રેચેન લાના ઊંચાઈવાળા વિસ્તારો નજીક કબ્જે કરેલા વિસ્તારોમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. ભારતીય લશ્કરે ત્યાં કોન્સર્ટિના વાયર લગાવી રહ્યા છે અને ચીનના લશ્કરને ચેતવણી પણ આપી દેવામાં આવી છે કે જો તેઓ ભારતીય સરહદનો ભંગ કરશે તો તેમને પરિણામ ભોગવવા પડશે.

ભારતીય લશ્કરે બ્રિગેડ કમાન્ડર સ્તરની વાતચીત દરમિયાન તે મુદ્દો પણ જણાવ્યો હતો કે ભારતીય પોઝિશન સામે તૈનાતી દરમિયાન ચીનના સૈનિકો ભાલા અને લાકડીઓ પોતાની સાથે રાખે છે. સૂત્રોએ જણાવ્યું છે કે ચીનના લશ્કરે મોટી સંખ્યામાં તોપ અને દારૂગોળા સાથે ૫૦,૦૦૦ ટ્રૂપ્સ તૈનાત કર્યા છે.

બીજી તરફ ચુશુલમાં ભારતની સામે ચીને ટેન્કો અને ઈનફેન્ટ્રી કોમ્બેટ વ્હિકલ્સ પણ તૈનાત કર્યા છે. ચીને ઘર્ષણ ધરાવતા વિસ્તારોમાં પોતાની સાઈડે મોટા પ્રમાણમાં હથિયારો લાવીને ગોઠવી દીધા છે.

(11:41 am IST)