મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

અવકાશ યાત્રીઓ પીઠ દર્દ દુર કરવા યોગનો આશરો લેશે

દેશના મહત્વકાંક્ષી ગગનયાન મિશનના યાત્રીઓને અપાય રહ્યુ છે યોગ આસનોનું પ્રશિક્ષણ

બેંગલોર તા. ૧૦ : બ્રહ્માંડમાં વિહરતા ગગન યાત્રીઓ પણ પીઠ દર્દ દુર કરવા હવે યોગની સહાય લેશે. દેશના મહત્વકાંક્ષી અંતરીક્ષ મિશન 'ગગનયાન' ના યાત્રીઓને આ માટેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.

ઇન્સ્ટીટયુટ ઓફ એરોસ્પેશ મેડીસીનના સુત્રોએ જણાવ્યા મજબ ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવેલ ચારેય ભારતીય અંતરીક્ષ યાત્રીઓને રૂશ રવાના થતા પહેલા યોગનું મુળભૂત જ્ઞાન આપવામાં આવ્યુ છે. જેથી કરીને અંતરીક્ષ યાત્રા દરમિયાન નાના મોટા પીઠ દર્દના સંજોગો ઉભા થાય તો કેટલાક યોગ આસનો કરીને જાતે તેનું નિવારણ કરી શકે.

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) અંતરીક્ષ યાત્રિઓને ૭ દિવસના મિશન માટે મોકલી રહેલ છે. ગગનયાનનું જે મોડયુલ ઇસરોએ તૈયાર કર્યુ છે તેમાં ત્રણ યાત્રિઓ મોકલવાની વ્યવસ્થા છે.

૨૦૧૬ માં એક આંતરરાષ્ટ્રીય અધ્યયન પછી એવુ સુચન કરાયુ કે આ મિશન દરમિયાન સતત લાંબી સફરના કારણે સર્જાતા પીઠ દર્દમાં યોગના આસનો ફાયદા કારક રહે છે. જેથી હાલ યોગ ઉપર વધુ ભાર દેવામાં આવી રહ્યો છે.

યાત્રા દરમિયાન સતત ગગનયાનમાં જ રહેવાનું હોવાથી પોતાની જાતને સ્વસ્થ રાખવી યાત્રીઓ માટે જરૂરી બની રહે છે. આ માટે બેઠા બેઠા જ થઇ શકે તેવા યોગના કેટલાક આસનો ખુબ ઉપયોગી નિવડતા હોવાનો દાવો કરાયો છે. વળી આ આસનો માટે સિમિત જગ્યાનો પ્રશ્ન પણ નડતો નથી. ગમે ત્યાં બેઠા બેઠા આ આસનો થઇ શકે છે.

શરીરને લચીલુ રાખવા અને એકાગ્રતા પ્રાપ્ત કરવામાં ઉપયોગી ૩૦ જેટલા યોગ આસનોનું પ્રશિક્ષણ અપાશે.

(3:10 pm IST)