મુખ્ય સમાચાર
News of Wednesday, 11th November 2020

દિવાળીમાં નવા લકઝરી ઘરો ખરીદવાનો ક્રેઝ ગ્રામિણ ક્ષેત્રોમાં ઇલેકટ્રોનિકસનું વેચાણ વધ્યું

સ્ટેમ્પ ડયુટીમાં રાહત, નીચા વ્યાજદર અને રેડીપઝેશન હોવાના કારણે ખરીદી વધી

નવી દિલ્હી, તા.૧૧: લકઝરી ઘરોના સેગમેન્ટમાં લાંબા સમય સુધી મંદી રહ્યા બાદ આ દિવાળીએ નવા તૈયાર લકઝરી ઘરો ખરીદવા માટે ગ્રાહકો ઉત્સાહિત છે. રેડી પઝેશન, ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટસ અને મહારાષ્ટ્ર જેવા રાજયોમાં સ્ટેમ્પ ડયૂટીમાં રાહતના કારણે રિયલ એસ્ટેટમાં નવા પ્રાણ ફૂંકાયા છે.

ગ્રાહકો હવે તેમની બચતનો ઉપયોગ લકઝરી હોમમાં આરામદાયી જીવન માટે કરવા માગે છે એમ એમ્બેસી ગ્રુપના રીઝા સેવાસ્ટિયનનું માનવું છે. માગ અને વેચાણ બન્ને કોવિડ પહેલાંના સ્તરે હોવાનું તેઓ કહે છે.

જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં તમામ મોટાં શહેરોમાં પાછલા ત્રિમાસિક ગાળાની તુલનાએ નવા દ્યરોના વેચાણમાં નોંધપાત્ર સુધારો થયો છે. કોલકાતા અને અમદાવાદમાં નવા ઘરોનું વેચાણ સૌથી વધુ થયું છે. તે પછી મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર અને બેંગલુરુનો ક્રમ આવે છે.

મુંબઈસ્થિત લોઢા ગ્રુપે માત્ર ઓકટોબરમાં જ રૂ. એક હજાર કરોડનું વેચાણ કર્યું હતું. બેંગલુરુના ડેવલપર્સના જણાવ્યા મુજબ ૬૦થી ૬૫ ટકા ગ્રાહકો રેડી અથવા છ મહિનામાં પૂરા થનારા પ્રોજેકટમાં જ રસ દાખવી રહ્યા છે. જેથી જોખમ અને વિલંબ ખાળી શકાય. રૂ. ૧૦૦૦ કરોડના કુલ રોકાણમાં લકઝરી દ્યરોનો હિસ્સો રૂ. ૪૦૦ કરોડ હતો. સ્ટેમ્પ ડયૂટીમાં રાહત, નીચા વ્યાજદર અને રેડી પઝેશન ધરાવતાં પ્રીમિયમ લકઝરી ઘરોની માગ વધી હોવાનું લોઢા ગ્રુપનાં સૂત્રોએ જણાવ્યું હતું.

એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના જણાવ્યા મુજબ દક્ષિણ-મધ્ય મુંબઈના વિસ્તારોમાં ઓકટોબરમાં રૂ. ૫૦૦ કરોડનું વેચાણ થયું છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં માત્ર રૂ. ૧૫૦ કરોડનું થયું હતું.

દિવાળીના તહેવારોને અનુલક્ષીને વિશેષરૂપે નાના શહેરોમાં ઘરમાં વપરાતાં ઈલેકટ્રોનિક ઉપકરણોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. સેમસંગ ઇન્ડિયાએ હોમ ઈલેકટ્રોનિકસ એપ્લાયન્સીસના અપગ્રેડેશનમાં સારો બિઝનેસ કર્યો છે. ઓકટોબરમાં તેમનું વેચાણ ૩૦ ટકા વધ્યું હતું. નવા અને મોટી ક્રીન ધરાવતા ટીવીના વેચાણમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. તેમાં એચડી ટીવીમાં ૩૨ ટકા, પ્રીમિયમ ક્રીનમાં ૫૦ ટકા અને ૬૫ ઈંચ અને તેથી વધુની ક્રીન ધરાવતા ટીવીના વેચાણમાં ૮૦ ટકાનો વધારો થયો છે. તે સાથે વોશિંગ મશીન અને માઈક્રોવેવના વેચાણમાં પણ ખાસ્સી વૃદ્ઘિ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ઓકટોબર મહિનામાં કંપનીઓ દ્વારા ઓટોમોબાઈલના હોલસેલના આંકડા સારા આવ્યા છે, પણ રિટેલમાં વેચાણ અપેક્ષા મુજબ નથી રહ્યું. અનેક કાર ડીલર્સ મોડેલ મુજબ રૂ. ૪૦ હજારથી રૂ. ૭૫,૦૦૦નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. જોકે, કિઆ મોટર્સ અને એમજી હેકટર્સના પ્રીમિયમ વાહનોના વેચાણમાં ગ્રાહકોએ નોંધપાત્ર ખરીદી કરી હોવાનું આંકડા દર્શાવે છે.

બીજી તરફ ગાર્મેન્ટ ક્ષેત્રમાં જૂના માલનો પ્રચંડ સ્ટોક અને કોવિડના કારણે આવેલાં નિયંત્રણોથી ગ્રાહકોની રુચિ તૈયાર વસ્ત્રો માટે ઘટી છે. લગ્નમાં મર્યાદિત હાજરી અને લોકડાઉનના કારણે પણ નવાં વસ્ત્રોની ખરીદીને બ્રેક લાગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(10:18 am IST)