મુખ્ય સમાચાર
News of Saturday, 12th September 2020

ડ્રગ્સ કેસ : રિયાએ લીધા સારા, રકુલ સહિત બોલીવુડની ૨૫ હસ્તીઓના નામ

ડ્રગ્સ મામલામાં નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો ટુંક સમયમાં બોલીવુડના મોટા માથાઓ ઉપર ત્રાટકે તેવી શકયતા : રિયાએ ૨૦ પાનાના નિવેદનમાં અનેક સ્ફોટક ખુલાસા કર્યા : ટુંક સમયમાં એનસીબી બોલીવુડની મોટી હસ્તીઓને સમન્સ મોકલે તેવી શકયતા : પ્રથમ તબક્કે પાંચ નામ બહાર આવ્યા : ટુંક સમયમાં મોટા ધડાકા-ભડાકા થવાની સંભાવના

મુંબઇ તા. ૧૨ : સુશાંતસિંહ રાજપૂત કેસમાં સામે આવેલ ડ્રગ ચેટીંગ બાદ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી તે પછી તેની ધરપકડ થઇ અને તે હાલ જેલમાં છે. મળતી માહિતી મુજબ એનસીબીની પૂછપરછમાં રિયાએ વટાણા વેરી દીધા હતા અને બોલીવૂડના ૨૫ જેટલા નામોનો ઉલ્લેખક કર્યો હતો જેઓ કાંતો ડ્રગ્સ લેતા હોય છે અથવા ડ્રગ્સની પાર્ટી કરતા હોય છે. રિયાએ એનસીબી સમક્ષ જે લોકોના નામ લીધા છે જેમાં અભિનેત્રી સારા અલી ખાન, રકુલ પ્રિતસિંહ, ડિઝાઇનર સીમોન ખંબાટાના નામ સામેલ છે. હવે એનસીબી આ બધા વિરૂધ્ધ પહેલા પુરાવા એકઠા કરશે અને પછી તેમને સમન્સ મોકલી પુછપરછ કરશે.

સારા અલી ખાન, રકુલ અને સીમોન ખંબાટાની વાત કરીએ તો સારાનું નામ સુશાંત સાથે થાઇલેન્ડની યાત્રામાં સામે આવ્યું હતું. સીમોનનું નામ રિયાની ડ્રગ ચેકીંગમાં આવ્યું હતું તો રકુલનું નામ રિયાએ એનસીબીની પૂછપરછમાં લીધું હતું.

એનસીબીએ કોર્ટને કહ્યું છે કે અમારી તપાસ પ્રારંભીક તબક્કામાં છે અને રિયાએ પૂછપરછમાં બોલીવુડના અનેક મોટા નામોનો ઉલ્લેખ કર્યો છે. એનસીબીનું કહેવું છે કે તેણે એક વિગતવાર મનીટ્રેલ તૈયાર કરી છે જેનાથી જણાય છે કે આ ડ્રગ રેકેટમાં અનેક મોટા નામ સામેલ છે અને પૈસા કયાં કયાંથી આવે છે અને કોણ કોણ આપે છે.

એનસીબી આ મામલામાં એક દસ્તાવેજ તૈયાર કરી રહ્યું છે. જે મુંબઇના ડ્રગ રેકેટનો પર્દાફાશ કરશે.

એનસીબી પાસે બોલીવુડના ૨૫ સ્ટાર્સના નામ છે જે ડ્રગ્સ મામલામાં સામેલ છે. રિયાએ ૨૦ પાનાનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે સ્ફોટક વિગતો આપી છે. રિયાએ કહ્યું છે કે હું સારા અને રકુલ સુશાંત સાથે ફરતા હતા અને ડ્રગ્સ લેતા હતા. એનસીબી અનેક એન્ગલથી તપાસ કરવાની છે. ડી કંપનીની સામેલગીરી પણ સામેલ હશે. દરમિયાન ઝી-ન્યુઝે રિયાના મોઢામાંથી નિકળેલા સત્યનો વિડીયો બહાર પાડયો છે. જેમાં રિયા ડ્રગ્સ લેતી નજરે પડે છે. આ ઉપરાંત રિયાએ સુશાંતની મિત્ર અને ડાયરેકટર રોહિણી અય્યર, મુકેશ છાબરાનું નામ પણ લીધું હોવાનું કહેવાય છે. હવે આ પાંચ લોકો સામે એનસીબી ટુંક સમયમાં કાર્યવાહી કરશે.

(9:43 am IST)