મુખ્ય સમાચાર
News of Monday, 12th October 2020

ફરી એકવાર સરકાર લાવી સ્કીમ

આજથી સસ્તુ સોનું ખરીદવાની તક

નવી દિલ્હી, તા.૧૨: સરકાર એકવાર ફરી તમારા માટે સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ  હેઠળ સાતમી સિરીઝ જારી કરવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડનું સબ્સક્રિપ્શન ૧૨ ઓકટોબરથી ૧૬ ઓકટોબર વચ્ચે લઈ શકાય છે. તો સેટલમેન્ટ ડેટ ૨૦ ઓકટોબર છે. રિઝર્વ બેન્કની સહમતિ બાદ જે રોકાણકાર ઓનલાઇન રોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદશે તેને ૫૦ રૂપિયાની છૂટ મળશે. તે માટે ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ એક નિવેદનમાં કહ્યું કે, ગોલ્ડ બોન્ડનું મૂલ્ય ૫૦૫૧ રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. ઓનલાઇન ખરીદનાર માટે કિંમત ૫૦૦૧ રૂપિયા પ્રતિ ગ્રામ હશે. આ પહેલા બોન્ડ સિરીઝ-૬ના ઈશ્યૂ પ્રાઇઝ ૫૧૧૭ રૂપિયા પ્રતિ ગ્રામ હતી અને તે સબ્સક્રિપ્શન ૩૧ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી ખુલ્યું હતું. સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ, સોનામાં રોકાણ કરવાની સ્કીમ છે જેને ભારત સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સોનાની ફિઝિકલ માગને દ્યટાડવાનો છે જેથી ભારતના સોનાની આયાતને ઓછી કરી શકાય. આ સ્કીમ ૨૦૧૫થી શરૂ થઈ હતી.

કોણ કરી શકે છે રોકાણ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં તે વ્યકિત રોકાણ કરી શકે છે જે ભારતમાં રહેતો હોય, તે પોતાના માટે, કોઈ બીજી વ્યકિત સાથે સંયુકત રૂપથી બોન્ડ ધારક થઈ શકે છે કે પછી સગીર તરફથી પણ આ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. ધ્યાનમાં રહે કે ભારતમાં નિવાસ કરનાર વ્યકિતને વિદેશી મુદ્રા મેનેજમેન્ટ, અધિનિયમ ૧૯૯૯ના કલમ ૨(યૂ)ની સાથે વિભાગ કલમ ૨(વી) હેઠળ પરિભાષિત કરવામાં આવ્યો છે. તેમાં બોન્ડ ધારકના રૂપમાં વિશ્વવિદ્યાલય, ધર્મ સંસ્થાઓ કે કોઈ ટ્રસ્ટ પણ હોઈ શકે છે.

રોકાણ કરવાના છે ઘણા ફાયદા

સોવરેન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કર્જ લેવા માટે કોલેટરલના રૂપમાં કરી શકાય છે. આ બોન્ડ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે તેથી રોકાણકાર આ જોખમથી બચી શકે છે કે બોન્ડ ઈશ્યૂ કરનારી કંપની નાદાર કે ભાગી ન જાય. આ બોન્ડને એકસચેન્જોમાં ટ્રેડ કરી શકાય છે, જેથી રોકાણકાર સમયથી પહેલા ઈચ્છે તો એકિઝટ કરી શકે છે. તેમાં સોનાની કિંમતોમાં વધારા સિવાય રોકાણકારને ૨.૫ ટકાના દરે વધારાનું વ્યાજ મળે છે.

ગોલ્ડ બોન્ડમાં સબ્સ્ક્રિપ્શનનો મોકો આજથી લઈને ૧૬ ઓકટોબર સુધી આપવામાં આવશેઃ ઓનલાઇન સબ્સ્ક્રાઇબ કરનારને ૫૦ રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ પણ મળશેઃ ભારતીય રિઝર્વ બેંકે આ વખતે ગોલ્ડ સબ્સ્ક્રિપ્શનની કિંમત ૫,૦૫૧ રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે

નવી દિલ્હીઃ આજથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં સબ્સ્ક્રિપ્શનનો મોકો ખુલી રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) આ વખતે ગોલ્ડ સબ્સ્ક્રિપ્શનની કિંમત ૫,૦૫૧ રૂપિયા પ્રતિ ગ્રામ રાખી છે. સોવરેન ગોલ્ડ બોન્ડની ઓનલાઇન અરજી કરનાર રોકાણકારોને ૫૦ રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ પણ મળશે. ઓનલાઇન આવેદન કરનાર રોકાણકારો માટે ભાવ પ્રતિ ગ્રામ ૫,૦૦૧ રૂપિયા હશે. આ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૦-૨૧ સીરિઝનો સાતમો મોકો છે. રોકાણકારો માટે આમાં રોકાણ કરવા માટે આજથી ૧૬ ઓકટોબર સુધી મોકો છે.

ગોલ્ડ બોન્ડ્સની પાકતી મુદ્દત આઠ વર્ષ હશે. જોકે, રોકાણકારો પાંચમાં વર્ષ પછી આમાંથી બહાર નીકળી શકે છે. પાકતી મુદ્દતે મળનારો સોનાનો ભાવ જે તે સમયે સોનાના ભાવ પર આધારિત હશે. જો તમે પણ આમાં રોકાણ કરવા માંગો છો તો સૌથી પહેલા નીચેની વાતો જાણી લો.

૧) સોવરેન ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ એવા સમયે આવ્યો છે જયારે ઓગસ્ટ મહિનામાં સોનાની કિંમત મહત્તમ સ્તર પર પહોંચ્યા બાદ તેમાં દ્યટાડો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ આશરે ૫૬,૨૦૦ રૂપિયા છે.

૨) આરબીઆઈએ ગોલ્ડ બોન્ડ અંતર્ગત સોનાના ભાવ ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા પ્રસિદ્ઘ કરવામાં આવતા સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કર્યાં છે, જે ૯૯૯ શુદ્ઘતા વાળા સોના માટે છે.

૩) સોવરેન ગોલ્ડ બોન્ડને ભારતીય રિઝર્વ બેંક જાહેર કરે છે. આને કેન્દ્ર સરકાર વતી જાહેર કરવામાં આવે છે.૪) સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ નવેમ્બર ૨૦૧૫માં લોન્ચ કરવામાં આવી હતી. દેશમાં ફિજિકલ ગોલ્ડની માંગને ઓછી કરવા માટે લોકોએ ગોલ્ડના માધ્યમથી ઘરેલૂ બચત અને નાણાકીય બચત કરવાનું શરૂ કર્યું હતું. ૫) આ સ્કીમમાં ઓછામાં ઓછા ૧ ગ્રામ સોના માટે રોકાણ કરી શકાય છે. ૬) ગોલ્ડ બોન્ડમાં સ્મોલ ફાઇનાન્સિયન બેંકો કે પેમેન્ટ બેંકો, સ્ટાફ હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસો, તેમજ NSE અને BSEનામાધ્યમથી રોકાણ કરી શકાય છે. ૭) જાણકારોનું માનવું છે કે નોન-ફિજિકલ ગોલ્ડમાં રોકાણ કરવા માટે સોવરેન ગોલ્ડ બોન્ડ એક પ્રભાવી રીત છે. જો ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનાર પાકતી મુદ્દત સુધી પૈસા રાખે છે તો તેને અનેક ફાયદા થાય છે. ૮) ગોલ્ડ બોન્ડ પર ૨.૫૦ ટકા વાર્ષિક દરથી વ્યાજ પણ મળે છે. ૯) ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સૌથી ખાસ વાત એ છે કે તેમાં સોનાને કયાં રાખવું તેની ચિંતા નથી રહેતી. તેને ડિમેટમાં રાખવા પર કોઈ જીએસટી પણ નથી ચૂકવવો પડતો. ૧૦) જો ગોલ્ડ બોન્ડની પાકતી મુદ્દત પર કોઈ કેપિટલ ગેન્સ બને છે તો તેના પર છૂટ મળશે. ગોલ્ડ બોન્ડ પર મળનારો આ ખાસ લાભ છે.

(10:49 am IST)