મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

રસીકરણ માટે છે આ જ સાચો સમય : UKની જેમ સેકન્ડ વેવથી બચાવશે

આ સમયે રસીકરણની તાત્કાલીક જરૂર છે જ્યારે હર્ડ ઇમ્યુનિટી હજુ વિકસાવવાની બાકી છે

નવી દિલ્હી,તા.૧૬: સક્રિય કેસોમાં નોંધપાત્ર ઘટાડા વચ્ચે ભારત કોવિડ-૧૯ રસીકરણની તૈયારી કરી રહ્યું છે ત્યારે નિષ્ણાતો કહે છે કે ઇનોકયુલેશન જરૂરી છે અને સમય યોગ્ય છે, કારણ કે તે કોરોનાની નવી લહેરને ટાળવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને યુકેના નવા કોવિડ-૧૯ સ્ટ્રેન ધ્યાને રાખતા જેનો સંક્રમણ દર ખૂબ જ વધારે છે. 'આપણે નસીબદાર છીએ કે દેશમાં જયારે કોરોનાના એકિટવ કેસમાં ખૂબ જ ઘટાડો આવી રહ્યો છે તેવા સમયે જ રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. મેદાંતા લિવર ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડો. એ એસ સોને જણાવ્યું હતું કે, જો બીજી લહેર આપણા સુધી પહોંચશે તો વસ્તીના નોંધપાત્ર પ્રમાણમાં સમયસર રસીકરણ કરવામાં મદદ મળશે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ સમયે રસીકરણની તાત્કાલિક જરૂર છે જયારે હર્ડ ઇમ્યુનિટી હજુ વિકસાવવાની બાકી છે અને અર્થતંત્રની સાથે સાથે અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પણ ફરી ખૂલી રહી છે, જેના કારણે વ્યાપક સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે. ત્યારે રસીકરણથી આપણને ચોક્કસ ફાયદો થશે.

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પ્રોફેસર કે શ્રીનાથ રેડ્ડી કહે છે, 'રસીકરણ જરૂરી છે કારણ કે તમે જાણતા નથી કે કોરોનાની બીજી લહેર કયારે શરૂ થઈ શકે છે અને આપણે જોયું છે કે અન્ય દેશોમાં બીજી અને ત્રીજી લહેર કોરોનાના વધુ ગંભીર કેસો અથવા વધુ સંક્રામક સ્ટ્રેન સાથે જોવા મળી છે.

'કોવિડ-૧૯ સામે હજુ સુધી કોઈ હર્ડ ઇમ્યુનિટી અસ્તિત્વમાં આવી નથી કારણ કે તે એક નવો રોગ છે. કોવિડ-૧૯ સામેની રસી સંક્રમણના ફેલાવા અને તેની ગંભીરતાને ઘટાડવામાં મદદ કરી શકે છે. જોકે હાલ એકિટવ કોરોના કેસમાં ઘટાડો આવ્યો છે પરંતુ આપણે નથી જાણતા કે કોરોના મહામારી કયારે કઈ દિશામાં આગળ વધશે. તેવામાં કોરોના રસીકરણ હાલના તબક્કે શરું કરી દેવું ખૂબ જ જરુરી છે. તેમ ગંગા રામ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને ઇન્ટરનલ મેડિસિનના વાઇસ ચેરમેન ડો. અતુલ કાકરે જણાવ્યું હતું.

(9:51 am IST)