મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

ભારતે નિકાસ પર તત્કાલ પ્રતિબંધ મૂકતા બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવમાં ઉછાળો

બાંગ્લાદેશમાં એક જ દિવસમાં ભાવમાં 50 ટકાનો વધારો :

મુંબઈ : દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખતા સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં કહ્યું કે, બધા પ્રકારની ડુંગળીની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ભારતે ડુંગળીની નિકાસ પર અચાનક પ્રતિબંધ મૂકી દેતા બાંગ્લાદેશમાં કાંદાના ભાવમાં એક જ દિવસમાં 50 ટકા વધારો થઈ ગયો છે. બાંગ્લાદેશ ઉપરાંત મલેશિયા, નેપાળ તથા શ્રીલંકા પણ ભારતના કાંદાના મોટા આયાતકાર દેશો છે.

ઢાકામાં ડુંગળીના ભાવ જે સોમવારે પ્રતિ કિલો 60 ટાકા હતા તે મંગળવારે એકદમ ઉછળીને 90થી 100 ટાકા પર પહોંચી ગયા હતા. સપ્ટેમ્બરના પ્રારંભમાં 30 ટાકા બોલાતા હતા.

ભારત સરકારે નિકાસ પર અચાનક જ પ્રતિબંધ મૂકી દેતા અસંખ્ય ટન્સ કાંદા રસ્તામાં અટવાઈ પડયા હોવાનો સ્થાનિક ટ્રેડરોએ દાવો કર્યો હતો. ભારત ખાતેથી બાંગ્લાદેશમાં વર્ષે સરેરાશ 3.50 લાખ ટન્સ કાંદાની નિકાસ થાય છે. ભારતમાં કાંદાના ભાવ અચાનક વધી જતા સરકારે ગઈકાલે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

વધુ પડતા વરસાદને કારણે માલ બગડી જવા ઉપરાંત પૂરવઠો ખોરવાઈ જવાને કારણે ઘરઆંગણે કાંદાના ભાવમાં તાજેતરના દિવસોમાં વધારો થયો હતો.

વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિક ગાળામાં બાંગ્લાદેશ ખાતે ભારતની કાંદાની નિકાસમાં 147.50 ટકા વધી 1.90 લાખ મેટ્રીક ટન્સ રહી હતી. આજ ગાળામાં એકંદર નિકાસમાં ૨૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

મહારાષ્ટ્ર એનસીપીના નેતા શરદ પવારે કાંદાની નિકાસ ફરી શરૂ કરવા સરકાર સમક્ષ રજુઆત કરી છે. નિકાસ પર અચાનક પ્રતિબંધ મુકાવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનું નામ ખરાબ થશે એવી તેમણે સરકાર સમક્ષ ચિંતા વ્યકત કરી હોવાનું સુત્રોએ જણાવ્યું

(6:41 pm IST)