મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

ભારત-ચીન વચ્ચેની વેપાર ખાધ જૂન કવાર્ટરમાં ઘટીને 5.48 અબજ ડોલર થઇ

નિકાસમાં વાર્ષિક તુલનાએ 9 ટકાની વૃદ્ધિ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદે વણસેલા તણાવની અસર બંને દેશો વચ્ચેના વેપાર ઉપર પડી છે. ભારત અને ચીન વચ્ચેની વેપાર ખાધ એપ્રિલથી જૂન 2020 દરમિયાન અડધાથી વધુ ઘટીને 5.48 અબજ ડોલર થઇ છે જે વર્ષ પૂર્વેના સમાન ત્રિમસિકગાળામાં 13.1 અબજ ડોલર હતી. આ માહિતી આજે સંસદમાં રજૂ થઇ હતી.

આજે સંસદમાં લેખિત પ્રત્યુત્તરમાં કેન્દ્રીય વેપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ કે, ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટીને 16.55 અબજ ડોલર રહ્યો છે. જ્યારે જૂન ક્વાર્ટર 2019માં આ દ્વિપક્ષીય વેપાર 21.42 અબજ ડોલર હતો.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યુ કે, સરકાર ચીન સાથે આપણી નિકાસમાં વધારો કરી અને ચીન પર આપણી આયાત નિર્ભરતા ઘટાડીને ચીન સાથેની આપણા વેપારને સંતુલિત કરવાનો સતત પ્રયાસ કરી રહી છે.

એક અન્ય પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યુ કે, સ્પેશિયલ ઇકોનોમિક ઝો (સેઝ)માંથી માલસામાનની નિકાસ એપ્રિલથી ઓગસ્ટ 2020 દરમિયાન ઘટીને રૂ. 81,481 કરોડ નોંધાઇ છે જ્યારે વર્ષ પૂર્વેના સમિક્ષાધીન સમયગાળામાં આ નિકાસ 1,30,129 કરોડ રહી હતી. અલબત્ એપ્રિલથી ઓગસ્ટ 2020 દરમિયાન દેશમાંથી સેવાઓની નિકાસમાં વાર્ષિક તુલનાએ 9 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.

(6:23 pm IST)