મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

મોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી? દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું?

નવી દિલ્હી, તા.૧૭: આજે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે, તેઓ વિશે દ્યણુંબધું લખાયું છે અને લખાતું રહેશે પણ નરેન્દ્રભાઇ મોદીની અવનવી બાબતોને પુસ્તકમાં શબ્દદેહ આપીને ઉજાગર કરનાર લેખકો પાસેથી નરેન્દ્રભાઇ મોદી વિશે કેટલીક જાણી–અજાણી અને રસપ્રદ વાતોને વાગોળીએ

ખુદી કો કર બુલંદ ઈતના કિ હર તકદીરસે પહલે

ખુદા બંદે સે ખુદ પુછે કિ બતા તેરી રઝા કયા હૈ

માત્ર નામ જ કાફી છે. આ વ્યકિતત્વ સ્વયં એક ઓળખ છે. સફળ રાજનીતિજ્ઞ હોવાની સાથોસાથ સાહિત્યરસિક નરેન્દ્ર મોદી ખુદ કહે છે કે –

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું.

સ્વઅનુભવથી ખુમારીપૂર્વક લખાયેલા આ શબ્દો કંઈ કેટલાય નાગરિકોમાં જોશ ભરી દે છે. આજે દેશ અને દુનિયામાં 'મોદી'નામની ચર્ચા છે. તેઓ શું કરે છે, શું કહે છે એના પર બધાની નજર સતત રહ્યા કરે છે. નરેન્દ્રભાઇ મોદી વિશે ઘણુંબધું લખાયું છે અને લખાતું રહેશે, પણ નરેન્દ્રભાઇ મોદીની અવનવી બાબતોને પુસ્તકમાં શબ્દદેહ આપીને ઉજાગર કરનાર લેખકો નરેન્દ્રભાઇ મોદી વિશે, તેમના કાર્યકાળની જાણી–અજાણી શું વાતો કહે છે, કઈ એવી રસપ્રદ વાતને તેઓ યાદ કરે છે એની વાત આજે કરવી છે.

દેશ અને દુનિયાના ઘણાબધા લેખકોએ નરેન્દ્રભાઇ મોદી વિશે પુસ્તકો લખીને પ્રસિદ્ઘ કર્યાં છે, પણ કોઈ એક જ લેખક નરેન્દ્ર મોદી વિશે બે–પાંચ કે દસ–વીસ નહીં, પરંતુ પૂરાં ૨૯ પુસ્તકો લખ્યાં હોય અને એ પણ જુદી-જુદી ત્રણ ભાષામાં એવી અચરજ પમાડે એવી ઘટના ગુજરાતમાં બની છે. અમદાવાદમાં રહેતા લેખક–કવિ દિનેશ દેસાઈએ નરેન્દ્રભાઇ મોદી વિશે જુદી-જુદી થીમ પર ગુજરાતીભાષામાં બાવીસ, હિન્દી ભાષામાં ૪ અને અંગ્રેજી ભાષામાં ૩ પુસ્તક મળીને કુલ ૨૯ પુસ્તકો લખ્યાં છે. આ એક સિદ્ઘિ છે કે તેમણે વર્ષ ૨૦૧૧થી લઈને ૨૦૨૦ સુધીમાં નરેન્દ્ર મોદીના જીવનકથાના પ્રસંગો, ગુજરાતના એક બ્રેન્ડ તરીકે, ગુજરાત મોડલ વિશે, ટીનેજર્સ માટે નરેન્દ્રભાઇ મોદીના વિચારો, રાજકીય તેમ જ વિચારધારાને લગતાં એક પછી એક પુસ્તકો લખ્યાં છે.

આજકાલ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દાઢી ખાસ્સી ચર્ચામાં આવી છે. હાલમાં તેમની આગવી સ્ટાઈલની દાઢીએ લોકોમાં કુતૂહલ પેદા કર્યું છે અને દાઢીને લઈને અનેક વાતો થઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદીના વ્યકિતત્વ સાથે જોડાયેલી દાઢીની વાત કરતાં દિનેશ દેસાઈ કહે છે કે 'નરેન્દ્રભાઈ મોદી દાઢી વર્ષોથી રાખે છે. એનું કારણ શું છે? એક વખત એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે નરેન્દ્રભાઈ મોદીની પ્રશ્નોત્ત્।રી ચાલતી હતી. એમાં એક વિદ્યાર્થીએ તેમને દાઢી વિશે પ્રશ્ન કર્યો હતો ત્યારે એનો જવાબ આપ્યો હતો કે હું આરએસએસમાં હતો ત્યારે અને ગુજરાત પ્રદેશ બીજેપી સંગઠનમાં મહામંત્રીની જવાબદારી વખતે ગામડે-ગામડે જવાનું થતું. અનેક ગામડાં ખૂંદી વળતા હતા. જનસંપર્ક – લોકસંપર્ક કરતા એના કારણે શેડ્યુલ પ્રમાણે ચાલવું પડતું હતું. એટલે રોજ સવારે ઊઠીને દાઢી કરવા રહીએ તો દસ–પંદર મિનિટ જતી રહે એટલે વિચાર આવ્યો કે દાઢી રાખું તો આ મિનિટનો સારો ઉપયોગ થાય, સમય બચે અને વધુ લોકોને પણ મળી શકાય. મારા જીવનમાં સમય બચાવ્યો અને સદુપયોગ કર્યો. તેમણે બાળકોને શીખ આપી કે રોજિંદાં દૈનિક કાર્યોમાં નાની-નાની બાબતોમાં સમય વેડફાતો હોય તો એ કેમ બચાવી શકાય. નરેન્દ્રભાઈ મોદી વર્ષોથી ગુજરાત અને દેશના બાંધવો માટે વિચારતા કે મારી પ્રત્યેક પળ કીમતી છે અને એનો અમલ કરતા.'

દેશ અને દુનિયામાં મોદી કુરતા ફેમસ થયા છે. મોદી કુરતા એક ટ્રેન્ડ બન્યા છે, પણ તમને ખબર છે કે નરેન્દ્રભાઇ મોદી અડધી બાંયનો ઝભ્ભો કેમ પહેરતા થયા? એવું તો કયું કારણ હતું કે નરેન્દ્રભાઇ મોદીએ અડધી બાંયના ઝભ્ભા પહેરવાનું શરૂ કર્યું એ વિશે વાત કરતાં દિનેશ દેસાઈએ કહ્યું હતું કે 'વર્ષો સુધી નરેન્દ્રભાઈ મોદીએ અડધી બાંયના કુરતા પહેર્યા. ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અને આજે પણ કયારેક કોઈ કાર્યક્રમમાં અડધી બાંયના ઝભ્ભા સાથે તેઓ જોવા મળે છે. એક કાર્યક્રમમાં યુવાનો સાથેની પ્રશ્નોત્તરીમાં કોઈ યુવાને તેમને પૂછ્યું હતું કે અડધી બાંયના ઝભ્ભા પહેરવા પાછળનું કારણ શું? ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ જવાબ આપ્યો હતો કે ગામેગામ તેમ જ શહેરમાં પ્રવાસ કરવાનો થતો. મારું કામ જાતે જ કરું છું. કપડાં પણ જાતે જ ધોઉં છું. એક વાર વિચાર આવ્યો કે લાંબી બાંયને સાફ કરતાં વધુ સમય જાય છે અને બીજો મુદ્દો એ હતો કે ગુજરાતમાં મોટા ભાગે ગરમીનો અનુભવ થાય છે. એટલે બાંય ઉપર ચડાવી દઈએ છીએ. હું બે-ત્રણ કુરતા રાખતો, એક વખત લાંબી બાંયને કાતરથી કાપી નાખી અને અડધી કરી નાખી અને ત્યારથી અડધી બાંયના ઝભ્ભા સિવડાવવાનું શરૂ કર્યું.'

પુસ્તકોમાં આ બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે તેમ કહેતાં દિનેશ દેસાઈ કહે છે કે 'હવે તો બીજા બધાએ પણ અડધી બાંયના કુરતા અપનાવી લીધા છે અને એમાં જ તેમને કમ્ફર્ટ લાગી રહી છે.'

કન્યા કેળવણી માટે અને બેટી બચાઓનું રીતસરનું અભિયાન નરેન્દ્રભાઇ મોદીએ ઉપાડ્યું હતું અને દીકરીઓ માટેની લોકોની માનસિકતા બદલી દીધી. આજે ઘરે-ઘરે દીકરીને વધાવાઈ રહી છે અને પુજાઈ રહી છે. આ દીકરીઓ આજે તેમનાં ઘરોમાં સાક્ષરતાની જયોત પ્રગટાવી રહી છે.

ગામડું હોય કે શહેર, શાળાએ જતી દીકરીઓને માટે સાઇકલ ફ્રીમાં આપવાની સરસ્વતી સાધન સહાય શરૂ કરવા વિશે દિનેશ દેસાઈએ કહ્યું હતું કે 'દીકરીઓ અભ્યાસ કરે એમાં નરેન્દ્રભાઈ મોદીને વધુ રુચિ હતી અને એટલે જ બેટી બચાઓ, બેટી પઢાઓ સૂત્ર સાથે કન્યા અને કન્યા કેળવણીનો મહિમા દેશ અને દુનિયા સમક્ષ મૂકયો અને ચરિતાર્થ કરી બતાવ્યો. દીકરીઓ માટે ફી માફી સહિતની અનેક યોજનાઓ તેમણે અમલમાં મૂકી છે.'

સુરતની હોનારત યાદ છે તમને જયારે સુરતની તાપી નદીમાં પૂર આવ્યું હતું? ભારે જળ પ્રલય સર્જાયો હતો અને સુરતમાં ખાનાખરાબી સર્જાઈ હતી. આવા કપરા સમયે પ્રજાની પડખે ઊભા રહીને સેવક બનીને કાર્ય કરતા નરેન્દ્રભાઇ મોદીને સુરતના લેખક નમન મુનશીએ જોયા છે.

નરેન્દ્રભાઇ મોદી વિશે એક અંગ્રેજીમાં અને બે ગુજરાતી ભાષામાં પુસ્તક લખનાર સુરતના પાલ –અડાજણ વિસ્તારમાં રહેતા નમન મુનશી સુરતની એ હોનારત સમયે નરેન્દ્રભાઇ મોદી પ્રજાની વચ્ચે હતા એ ઘટનાને યાદ કરતાં 'કહે છે કે '૨૦૦૬ની સાલમાં સુરતમાં ભારે પૂર આવ્યું હતું. સુરતના કંઈ કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ત્યારે નરેન્દ્રભાઇ મોદીને અડાજણમાં જાતે ઊભા રહીને સફાઈ કરાવતા મેં જોયા હતા. આ માણસ હંમેશાં એકિટવ મોડમાં હોય છે. તેઓ આફતને અવસરમાં બદલીને માણસને બેઠો કરવાના પ્રયાસો કરતા રહ્યા છે. આ માણસ જમીનથી જોડાયેલો છે એ જોવા મળ્યું.'

નરેન્દ્રભાઇ મોદીની કાર્યપદ્ઘતિ અલગ જ તરી આવે છે. તેમણે છેવાડાના માનવીનું પણ ધ્યાન રાખ્યું છે. તમને મેળાઓ યાદ આવે છે? આ મેળાઓમાં નાનામાં નાનો માણસ પણ બે પૈસા કમાવાની આશાએ આવતો હોય છે. નરેન્દ્રભાઇ મોદીએ અનેક એવા કાર્યક્રમો યોજયા કે જયાં મેળાવડા જેવું થાય અને નાના માણસોને તેની મહેનત પૈસા મળી રહે છે. નમન મુનશી આ વિશે કહે છે કે 'નરેન્દ્રભાઇ મોદી દર વખતે મેળાનું આયોજન કરે. ખેતી ક્ષેત્ર હોય કે આદિવાસી ક્ષેત્ર હોય, પણ તેમની મેળા પદ્ઘતિ અનોખી છે. નાના માણસોને ફન્ડ મળે, નાના કલાકારોને પૈસા મળી રહે અને ઇકોનોમી ફરતી રહે.'

વ્યવહારકુશળ, રાજનીતિજ્ઞ નરેન્દ્રભાઇ મોદીના પ્રજાલક્ષી અભિગમ સાથેના માનવતાને ઉજાગર કરતા અને દેશની એકતા–અખંડિતતાના આવા તો અગણિત કિસ્સાઓ આપણને જોવા અને સાંભળવા મળતા હતા અને મળતા રહેશે.

(11:21 am IST)