મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

રાજકોટમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં: કેસમાં ઘટાડોઃ જયંતિ રવીનો દાવો

દર્દીઓ ઝડપથી સાજા થતા ડીસ્ચાર્જ રેટ વધ્યોઃ ટેસ્ટીંગ વધારાયું છેઃ ૧૧૦૦ ટીમો ટેસ્ટીંગ માટે કામે લગાડાઇઃ કોવીડ કો-ઓર્ડીનેટરની નિમણુંક-તાલીમને કારણે હજુ કેસ ઘટશેઃ અગ્ર સચિવ જયંતિ રવીએ પત્રકાર પરીષદમાં વિગતો રજુ કરી

સ્થિતિ કાબુમાં : રાજયનાં આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવીએ રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહ્યાનું પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતું. તે વખતની તસ્વીરમાં પ્રભારી ડો. રાહુલ ગુપ્તા સહિતનાં અધિકારીઓ આ તકે ઉપસ્થિત હતા. તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૭ :  શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે આજે રાજકોટ દોડી આવેલા રાજયનાં અગ્રસચિવ જયંતિ રવીએ મેડીકલ કોલેજમાં બેઠક યોજી શહેરમાં કોરોનાં હજુ વધુ કંન્ટ્રોલમાં લેવા અંગે બેઠક યોજી અને રણનીતિ ઘડ્યા બાદ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા એવો દાવો કર્યો હતો કે શહેરમાં કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી છે કેમકે ૧૦-૧ર દિવસ અગાઉ જે પ્રકારે કેસો વધતાં હતાં. તેની સરખામણીમાં આજે કેસ ઘટવા લાગ્યા છે.

પત્રકાર પરિષદમાં અગ્રસચિવશ્રીએ જાહેર કર્યુ હતું કે શહેરમાં ટેસ્ટીંગ વધારી દેવાયું છે. હાલમાં ૧૧૦૦ જેટલી ટીમ ટેસ્ટીંગમાં કાર્યરત છે.

આ ઉપરાંત સોસાયટીઓ, કોમ્પ્લેક્ષ, કંપનીઓ, સંસ્થાઓ હોસ્પિટલો વગેરેમાં કોવિડ-કો-ઓર્ડીનેટરોની નિમણુંકો અને તાલીમને કારણે આવતાં દિવસોમાં હજુ કેસ ઘટશે.

શ્રી જયંતી રવીએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે હવે શહેરમાં કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થઇ રહ્યા છે.

એ બાબત દર્શાવે છે કે હવે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં આવી રહી છે. કેમકે છેલ્લા ૧૦-૧ર દિવસથી દર્દીઓના ડીસ્ચાર્જ થવાનો રેટ પણ વધી ગયો છે.

આમ રાજકોટમાં હવે કોરોનાં કાબુમાં આવી રહ્યાનો દાવો જયંતિરવીએ પત્રકાર પરિષદમાં કર્યો હતો.

(2:52 pm IST)