મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

પત્નિને કહ્યું... કોરોના થયો છે... મરવા જાઉ છું: પોલીસ શોધતી'તીઃ ગર્લફ્રેન્ડ સાથે કરતો હતો જલ્સા

ગર્લફ્રેન્ડ સાથે ભાગેલા પરિણીત યુવકને પોલીસે ઇન્દોરથી પકડયો

મુંબઇ, તા.૧૭: કોરોનાકાળમાં પોતાના મૃત્યુનું બહાનું બનાવીને ગર્લફ્રેન્ડ સાથે ફરાર થનારા વ્યકિત જુઠ્ઠાણું ત્યારે પકડાયું જયારે પોલીસે તેને ઈન્દોરથી પોતાની ગર્લફ્રેન્ડ સાથે પકડી લીધો. આ વ્યકિતએ પરિવારને ફોન કરીને કહ્યું હતું કે, તેને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું છે અને હવે વધારે નહીં જીવી શકે આ બાદ તે ગર્લફ્રેન્ડ સાથે ભાગી ગયો હતો. પરિવારથી ખોટું બોલીને જૂન મહિનાથી ભાગી ગયેલા વ્યકિતને નવી મુંબઈ પોલીસ ઈન્દોરથી પકડી લીધો હતો.

પોલીસ મુજબ, મનીષ મિશ્રા (૨૪ વર્ષ) નામની આ વ્યકિત નવી મુંબઈમાં સુપરવાઈઝરની નોકરી કરતો હતો. તેણે પોતાની પત્નીને ફોન કરીને કહ્યું કે તે કોરોના પોઝિટિવ આવ્યો છે. તેણે પત્નીને એમ પણ જણાવ્યું કે, તે હવે વધારે જીવી નહીં શકે આટલું કહીને તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.

પોલીસ વધુમાં જણાવે છે કે, બીજા દિવસે તે દ્યરે ન આવ્યો તો પરિવારે તેના ગુમ થવાની પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે મિશ્રાની શોધખોળ શરૂ કરી દીધો અને જાણ્યું કે તેનો ફોન સ્વીચ ઓફ થયા પહેલા છેલ્લું લોકેશન વાશીનું હતું.

અધિકારીએ જણાવ્યું કે, અમે તે જગ્યાએ એક ટીમ મોકલી જયાંથી અમને મિશ્રાની બેગ, બાઈક અને હેલ્મેટ મળી આવી. અમે સ્થાનિક માછીમારોની મદદથી વાશીની ખીણમાં પણ તપાસ કરી, પરંતુ તેની બોડીની કોઈ ભાળ નહોતી મળી. અમને ખાતરી થઈ ગઈ કે તે જીવતો છે તેથી અમે વધુ તપાસ ચાલું રાખી.

આ બાદ તપાસ સીસીટીવી ફૂટેજ સ્કેનિંગથી શરૂ કરવામાં આવી અને દેશના અન્ય રાજયોના પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેના ફોટોને ફોરવર્ડ કરવામાં આવ્યા. ઈન્સ્પેકટર સંજય ધુમલે કહ્યું, અમને પહેલી લીડ એરોલીમાં સીસીટીવી ફૂટેજ દ્વારા મળી જેમાં તે એક મહિલા સાથે ટ્રાવેલ કરતા દેખાતો હતો. બાદમાં પોલીસને જાણકારી મળી કે મિશ્રા ઈન્દોરમાં રહે છે. અધિકારીએ જણાવ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું કે તેનું કોઈની સાથે અફેર ચાલી રહ્યું હતું અને તે ઈન્દોરમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહે છે. જે બાદ અમે એક ટીમ ત્યાં મોકલી અને તેને પાછો નવી મુંબઈ લઈ આવ્યા.

(3:57 pm IST)