મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

IRCTC પાસે ૧૦ લાખનું રિફંડ લેનાર કોઈ પણ નથી

જેના પૈસા હોય તેણે લઈ જવા જોઈએ : રેલવે મંત્રી પીયૂષ ગોયેલ :જે બેન્ક ખાતામાંથી ટિકિટ બુક કરાવાઈ હતી, તે બંધ થવાના કારણે રિફંડ પાછું નથી આપી શકાયું : અહેવાલ

નવી દિલ્હી, તા. ૧૭ : ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન (IRCTC) પાસે ટિકિટ કેન્સલ થયા પછી રૂ. ૧૦ લાખ જેટલી રકમ પડી રહી છે અને આ લેવા માટે કોઈ આવતું પણ નથી રેલવે દ્વારા લોકોને અપીલ પણ કરાઈ છે કે તેઓ પોતાનું રિફંડ પાછું લઈ લે. આ માહિતી બુધવારે લોકસભામાં એક સવાલના જવાબમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે આપી હતી.

IRCTCના અધિકારીના જણાવ્યાનુસાર, જે બેન્ક ખાતામાંથી ટિકિટ બુક કરાવાઈ હતી, તે બંધ થવાના કારણે રિફંડ પાછું નથી આપી શકાયું. રેલવેએ લોકોને રિફંડ પાછું લેવા નવો બેન્ક ખાતા નંબર આપીને રિફંડ લેવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે નવો ખાતા નંબર આપ્યા પછી રિફંડનો દાવો કરનારી વ્યક્તિ આધાર કે પાન નંબર આપીને પોતાની ઓળખ આપીને રકમ પાછી લઈ શકે છે. રેલવેમંત્રીએ કહ્યું કે કોરોનાકાળ એટલે કે ૨૨ માર્ચથી ૧૨ ઓગસ્ટ વચ્ચે રિફંડના રૂપમાં રેલવેએ લોકોને રૂ. ૩૩૭૧.૫૦ કરોડ પાછા આપ્યા છે. આ ટિકિટ ૧૪ એપ્રિલ પહેલાં બુક કરાવાઈ હતી. ગયા વર્ષે આ સમયની તુલનામાં ચાલુ વર્ષે ફક્ત ૧.૨૭% મુસાફરોએ જ પ્રવાસ કર્યો હતો. તેથી રેલવેને આશરે ૪૨% ઓછી આવક થઈ છે.

(9:47 pm IST)