મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

જય માતાજી કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી

દેશભરમાં નવરાત્રીનો પ્રારંભ થયો : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને નવરાત્રીના પાવન પર્વ ઉપર દેશના નાગરિકોને શુભકામના પાઠવી

નવી દિલ્હી ,તા.૧૭ : આજથી દેશભરમાં પવિત્ર નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, નવરાત્રીના પાવન પર્વ પર ખુબ-ખુબ શુભકામનાઓ, જગત જનની માં જગદંબા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સંચાર કરે, જય માતાજી!! પીએમ મોદીએ પહેલા નોરતે કહ્યું ઓમ દેવી શૈલ્યપુત્ર્યૈ નમઃ ।। નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આશીર્વાદથી, આપણો ગ્રહ સલામત, સ્વસ્થ અને સમૃદ્ધ રહે.

             તેમના આશીર્વાદ અમને ગરીબ અને જરૂરિયાતમંદોના જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવવા માટે શક્તિ આપે. વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને દેશવાસીઓને પવિત્ર નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, નવરાત્રી તપ, સાધના અને શક્તિ પૂજાનું પ્રતિક છે. નવરાત્રીના મહાપર્વની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. માં ભગવતી બધા ઉપર પોતાની કૃપા અને આશીર્વાદ બનાવી રાખે, જય માતાજી. દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છાઓ આપી છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તમારા અને તમારા આખા પરિવારને શરદ નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ, જય માતાજી!

(12:00 am IST)