મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

લાલુ યાદવની સ્થિતિ ગંભીર : શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં ઇન્ફેક્શન

ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા પણ લાલુ યાદવની તબીયત જાણવા પહોંચ્યા

રાંચી :આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની સ્થિતિ ગંભીર છે. તેઓ શ્વાસ લઈ શકતા નથી. તેમના ચેસ્ટમાં ઇન્ફેક્શન અને નિમોનિયાની ફરિયાદ છે. જાણકારી પ્રમાણે રાંચીની રિમ્સ હોસ્પિટલમાં પેઇંગ વોર્ડમાં ચારા કૌભાંડ મામલામાં સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવની તબીયત ગુરૂવારે સાંજે અચાનક બગડી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો. જાણકારી મળતા ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા પણ લાલુ યાદવની તબીયત જાણવા પહોંચ્યા હતા.

ડોક્ટરો પ્રમાણે લાલુ યાદવને શ્વાસ લેવામાં અચાનક મુશ્કેલી શરૂ થઈ હતી. તત્કાલ તેની સૂચના ડોક્ટરોને આપવામાં આવી હતી. સૂચના મળતા ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા, રિમ્સ ડાયરેક્ટર ડો. વિવેક કશ્યપ અને લાલુ પ્રસાદ યાદવની સારવાર કરી રહેલા ડોક્ટર ઉમેશ પ્રસાદ તેમને જોવા પેઇંગ વોર્ડ પહોંચ્યા હતા.

લાલુ પ્રસાદની સ્થિતિ જાણ્યા બાદ બન્ના ગુપ્તા પરત ફર્યા છે. ડોક્ટર હજુ લાલુ પ્રસાદ યાદવની સારવારમાં લાગેલા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર લાલુમાં નિમોનિયાના લક્ષણ જોવા મળી રહ્યા છે. કોરોના તપાસ માટે તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. રેપિડ એન્ટીજન ટેસ્ટમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તો આરટી પીસીઆરનો રિપોર્ટ આવવાનો બાકી છે. તેમનો એક્સ રે પણ કરવામાં આવ્યો છે. તેમાં થોડુ ઇન્ફેક્શન જોવા મળ્યું છે.

(10:26 pm IST)