મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

આરોપીઓને લાંબો સમય સુધી જેલના સળિયા પાછળરાખવાથી કોઈ હેતુ સરે તેમ લાગતું નથી : જામીન એ નિયમ છે , જયારે જેલ એ અપવાદ છે : પાલઘર મોબ લોન્ચિંગ મામલે ચુકાદો આવવામાં વિલંબની શક્યતા જણાતાં 89 આરોપીઓને શરતી જામીન મંજુર કરતી થાણે સેશન્સ કોર્ટ

મુંબઈ : એપ્રિલ 2020 માં પાલઘર મોબ લોન્ચિંગ  મામલે ધરપકડ કરાયેલા 89 આરોપીઓને થાણે સેશન્સ કોર્ટએ શરતી જામીન મંજુર કરી દીધા છે.જે અંગે નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે કેસનો ચુકાદો તાત્કાલિક આવી શકે તેવું લાગતું નથી .કારણકે આરોપીઓ  ટોળામાં શામેલ હતા કે કેમ તે હજુ સુધી પુરવાર થયું નથી.તેથી ચુકાદામાં વિલંબ થવાની શક્યતા છે.આથી આરોપીઓને લાંબો સમય સુધી જેલના સળિયા પાછળરાખવાથી કોઈ હેતુ સરે તેમ લાગતું નથી.

નામદાર કોર્ટએ ઉમેર્યું હતું કે જામીન એ નિયમ છે ,જયારે જેલ એ અપવાદ છે.

ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ 2020 ના રોજ પાલઘર ડિસ્ટ્રિક્ટમાં 70 વર્ષીય સાધુ સહીત 3 વ્યક્તિઓ ઉપર ટોળાએ કરેલા હુમલા મામલે 89 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.તથા હુમલાખોરો અસામાજિક તત્વો હોવાનું પોલીસે જણાવ્યું હતું.તેથી તેઓને હિરાસતમાં રાખવામાં આવ્યા હતા.જેના અનુસંધાને બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે આરોપીઓ હુમલામાં શામેલ હતા કે માત્ર ઉત્કંઠાથી જોવા માટે આવ્યા હતા તે સાબિત થતું નથી.ઉપરાંત હુમલામાં વપરાયેલા સાધન શસ્ત્રો જપ્ત કરી લેવાયા છે.તેથી કેસ ચાલે ત્યાં સુધી લાંબા સમય માટે આરોપીઓને જેલમાં રાખવા વ્યાજબી નથી.

જેના અનુસંધાને નામદાર કોર્ટએ આરોપીઓના શરતી જામીન મંજુર કર્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:13 pm IST)