મુખ્ય સમાચાર
News of Thursday, 22nd October 2020

વિશ્વમાં દર છ માંથી એક બાળક અત્યંત ગરીબઃ કોરોનાથી સ્થિતિ વધુ બગડશે

કોરોનાને કારણે જે નાણાકીય કટોકટી સર્જાઇ છે તેના કારણે આ સંખ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે

યુનાઇટેડ નેશન્સ, તા. ૨૨: કોરોના મહામારી શરૂ થઇ તે પહેલા સમગ્ર વિશ્વમાં દર ૬ માંથી એક બાળક અતિ ગરીબીમાં જીવન ગુજારતો હતો અને કોરોનાને કારણે આ સ્થિતિ વધારે ખરાબ થઇ રહી છે તેમ વર્લ્ડ બેંક ગુ્રપ અને યુએન ચિલ્ડ્રન ફંડ(યુનિસેફ)ના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

'ગ્લોબલ એસ્ટિમેટ ઓફ ચિલ્ડ્રન ઇન મોનેટરી પૂવર્ટી : એન અપડેટ' નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સબ સહારા આફ્રિકાના બે તૃતિયાંશ બાળકો પર દૈનિક સરેરાશ ૧.૯૦ ડોલર કરતા પણ ઓછો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર આ રકમથી ઓેછો ખર્ચ અત્યંત ગરીબીમાં આવે છે. આ અહેવાલ અત્યંત ગરીબીમાં રહેતા બાળકોની કુલ સંખ્યાના ૨૦ ટકા બાળકો દક્ષિણ એશિયમાં રહે છે.

આ અહેવાલ મુજબ ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન અત્યંત ગરીબીમાં રહેતા બાળકોની સંખ્યામાં ૨ કરોડ ૯૦ લાખનો દ્યટાડો થયો હતો. યુનિસેફે જણાવ્યું છે કે તાજેતરમાં વર્ષોમાં થયેલી પ્રગતિની ઝડપ ધીમી અને અસમાન વિતરણવાળી વ્યવસ્થા અને મહામારીને કારણે પડનારી અસરને કારણે સંકટમાં છે.

યુનિસેફના ડાયરેકટર ઓફ પ્રોગ્રામ્સ સંજય વિજેસેકેરાએ જણાવ્યું છે કે છ માંથી એક બાળક અત્યંત ગરીબીમાં જીવી રહ્યું છે અને છ માંથી એક બાળક જીવિત રહેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે આ સંખ્યા વિચલિત કરનારી છે. કોરોનાને કારણે જે નાણાકીય કટોકટી સર્જાઇ છે તેના કારણે આ સંખ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. વિવિધ દેશોની સરકારોએ આ માટે તાત્કાલિક યોજના બનાવવી જોઇએ જેથી લાખો બાળકોને ગરીબીમાં જતા અટકાવી શકાય.

આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વની કુલ વસ્તીમાં ૩૩ ટકા બાળકો છે. અતિ ગરીબીમાં જીવન વ્યતિત કરતી કુલ વસ્તીમાં ૫૦ ટકા બાળકો છે. વિકાસશીલ દેશોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૨૦ ટકા બાળકો ખૂબ જ ગરીબ ઘરોમાં રહે છે.

(11:27 am IST)