મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે ૧૨૫મી જયંતિઃ પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ કર્યા નમન

મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત માતાના સાચા સપૂત નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મ જયંતી પર શત શત નમનઃ રાષ્ટ્ર દેશની આઝાદી માટે તેમના ત્યાગ અને સમર્પણને યાદ રાખશે

નવી દિલ્હી, તા.૨૩: નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે ૧૨૫મી જન્મજયંતિ છે ત્યારે પીએમ મોદીએ નેતાજીના પરાક્રમને યાદ કરીને નમન કર્યા છે. પીએમ મોદી આજે પ. બંગાળના પ્રવાસે જશે અને અહીંના કાર્યક્રમમાં ભાગ લેશે.

નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે ૧૨૫મી જયંતિ પર આજે પીએમ મોદીએ નેતાજીના પરાક્રમને યાદ કરીને નમન કર્યા છે. તેઓએ ટ્વિટર પર લખ્યું કે મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત માતાના સાચા સપૂત નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મ જયંતી પર શત શત નમન, રાષ્ટ્ર દેશની આઝાદી માટે તેમના ત્યાગ અને સમર્પણને યાદ રાખશે.

પીએમ મોદી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શ્રદ્ઘાંજલિ અર્પણ કરતા લખ્યું છે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ૧૨૫મી જયંતિ વર્ષના સમારોહના શુભ અવસરે તેમને સાદર નમન. તેમના અદમ્ય સાહસ અને વીરતાના સમ્માનમાં આખું રાષ્ટ્ર તેમની જયંતિને પરાક્રમ દિવસના રૂપમાં મનાવી રહ્યું છે. નેતાજીએ અનેક અનુયાયીઓમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કર્યો છે.

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અસાધારણ યોગદાન આપનારા નેતાજી સૌથી પ્રિય રાષ્ટ્ર નાયકોમાંના એક છે. તેમની દેશભકિત અને બલિદાનથી આપણને પ્રેરણા મળે છે. તેઓએ આઝાદીની ભાવના પર બળ આપ્યું અને તેને મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા.

બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી દેશભરમાં ભવ્ય રીતે મનાવવામાં આવી રહી છે. બોઝની જન્મ જયંતિના અવસરે પીએમ મોદી આજે બંગાળના પ્રવાસે જશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓને લઇ રાજકારણ ગરમાયું છે ત્યારે આજે PM નરેન્દ્રભાઇ મોદી આજે બપોરે ૩.૩૦ કલાકે પં.બંગાળના પ્રવાસે પહોંચશે.  પીએમ મોદી કોલકત્તામાં પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી કરશે. ચૂંટણીઓ અગાઉ PM મોદીનો બંગાળ પ્રવાસ ખૂબ મહત્વનો રહેશે.  કોલકત્ત્।ામાં નેતાજી ભવનની મુલાકાત લેશે અને વિકયોરિયા મેમોરિયલ ખાતે પરાક્રમ દિવસના કાર્યક્રમની ઉજવણીમાં  લોકોને સંબોધન પણ કરશે.

(12:55 pm IST)